• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ભુજ : એસિડ હુમલામાં આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 23 : સવા બે વર્ષ પૂર્વે ભુજના લગ્નપ્રસંગમાં કરવામાં આવેલા એસિડ હુમલાના ચકચારી બનાવ કેસમાં તમામ પાંચે આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની વિગતો મુજબ ગત તા. 29/04/2024ના ભટી પરિવારમાં લગ્નપ્રસંગ હતો તે દરમ્યાન ફુલ સ્પીડમાં સ્કૂટર ચલાવવા બાબતે બોલાચાલી થયા બાદ ભટી પરિવાર અને ખત્રી પરિવાર વચ્ચે ધોકા, લોખંડની ટામી વિગેરે ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસરની મંડળી રચી એસિડ જેવા જલદ પદાર્થથી એસિડ એટેકનો ગુનો કર્યા બાબતની ફરિયાદ બી-ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. કાયદામાં સુધારો થયા બાદ એસિડ એટેકના ગુનાને ગંભીર ગુનાઓની શ્રેણીમાં સમાવેશ કર્યા બાદ કચ્છ જિલ્લાનો સંભવિત એસિડ એટેકમાં આ પહેલો બનાવ પોલીસ ચોપડે નોંધાયેલ હતો અને જે-તે વખતે આ બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો. એ કેસ અધિક સેસન્સ જજ ટી. એન. ખંધડિયાની કોર્ટમાં ચાલી જતાં 21 સાક્ષીઓ, 24 જેટલા દસ્તાવેજી આધાર-પુરાવાઓ તથા બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ પાંચે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો  છે. આ કામે આરોપી આદમ અબ્દુલ અઝીઝ ખત્રીના એડવોકેટ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, ઉમેર સુમરા, રાજેશ ગઢવી, રામ ગઢવી, જય કટુવા, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.

એન. ડી. પી. એસ. કેસમાં આરોપીને હાઈકોર્ટમાંથી જામીન

આ કેસમાં આલ્પ્રાઝોલમની આશરે 262.15 કિલોગ્રામ જેટલી જંગી માત્રામાં પ્રતિબંધિત ટેબ્લેટ્સનો જથ્થો ઝડપાયેલ હોવાના આક્ષેપ હોઈ જથ્થો કોમર્શિયલ કવોન્ટિટીમાં આવતો હોવાથી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની કડક જોગવાઈઓ પણ લાગુ પડતી હોવાથી આ ગંભીર પ્રકારનો ગુનો હોઈ આરોપી લાંબા સમયથી જેલમાં હતો, ત્યારબાદ આરોપીએ ગાંધીધામના ધારાશાત્રી નવીન આર. રબારી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી અને આ જામીન અરજીની દલીલો  દરમ્યાન આરોપીના ધારાશાત્રીએ વિભિન્ન ઉપલી અદાલતોના ચુકાદાઓ ટાંકી એવી ભારપૂર્વક દલીલો કરી હતી કે, કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે તથા ચાર્જસીટ રજૂ થઈ ગઈ છે. આરોપી પાસેથી કોઈ વધુ રિકવરી કે ડિસ્કવરી બાકી નથી. આ તમામ હકીકતો અને સંજોગોને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર મુક્ત કરવા માટે દલીલો કરવામાં આવતાં જામીન મંજૂર થયા છે.

રસ્તો ખુલ્લો કરવાના હુકમ સામે સ્ટે

રાજગોર મીઠુભાઈ મોરારજી (રહે. ગુંદિયાળી, તા. માંડવી)ની માલિકીની મિલકત જેના રે. સર્વે નં. 759/2વાળી મિલકતમાંથી રસ્તો મેળવવા માટે મોતા ગિરીશ નારણજી રાજગોર (રહે. બાગ, તા. માંડવી)ના તેમની માલિકીની મિલકત જેના રે. સર્વે નં. 758/પૈકી 2વાળી મિલકતમાં આવવા-જવા માટે રસ્તા બાબતે મામલતદાર - માંડવી સમક્ષ રસ્તો ખુલ્લો કરવા સંબંધે કેસ દાખલ કરેલ જે કેસમાં મામલતદાર દ્વારા હુકમ કરી રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરતાં તેની સામે મીઠુભાઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટ દ્વારા મામલતદારના રસ્તો ખુલ્લો કરવાના હુકમ સામે મનાઈ હુકમ (સ્ટે) આપે છે. આ કેસમાં હાઈકોર્ટમાં મીઠુભાઈના વકીલ તરીકે શિવાંગ અવિનાશ ઠક્કર તથા સ્થાનિકે મદદકર્તા એડવોકેટ બિપિન એલ. નાથબાવા તથા નારણ કે. ગઢવી રહ્યા હતા.

આધોઇ : ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સાદી કેદનો ચુકાદો

ગાંધીધામ, તા. 23 : ભચાઉના આધોઇ ગામની વ્યક્તિ પાસેથી ઉધાર રૂપિયા લઇ ચેક પરત જવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આધોઇમાં રહેતા ફરિયાદી બાબુ ભલાભાઇ ભરવાડ પાસેથી સોનગઢ પ્રાંતિજનાં નવઘણજી હિરાજી વાઘેલાએ રૂા. 1,05,000 ઉધાર ઉછીના લીધા હતા, જે પૂરા પરત માગતા તે રકમનો ચેક ફરિયાદીને અપાયો હતો. ચેક રિટર્ન બાદ પણ ઉધાર પરત ન આપતાં ભચાઉની અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં નેગોશીએબલ ઇસ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ કરાઇ હતી, આ કેસ ચાલી જતાં પુરાવા ધ્યાને લઇ ન્યાયાધિશએ આરોપી એવા નવઘણજી વાઘેલાને તકસીરવાન ઠરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. 1,05000 પૂરા વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો હતો. કેસમાં ફરિયાદી તરફે ધારાશાત્રી ઋષિકેશ ટપુભાઇ રાઠોડે હાજર રહી દલીલો` કરી હતી.

Panchang

dd