કોઈ પણ આદર્શ લોકશાહીમાં જનપ્રતિનિધિઓની છબી હંમેશા ચાવીરૂપ
બની રહેતી હોય છે. ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સામે ઊભા થઈ રહેલા સવાલ લોકશાહીની
સિદ્ધાંતોની છબીને ખરડાવી રહ્યા છે. કોઈ પણ
નેતા કે લોકપ્રતિનિધિ પોતાના સ્વાર્થને ત્યજીને દેશ અને સમાજના કલ્યાણ માટે કામ કરે
તે લોકશાહી માટે અનિવાર્ય બની રહે છે, પણ ભારતમાં સામે આવી રહેલું ચિત્ર ખરા અર્થમાં ચિંતા જગાવે તેવું છે. તાજેતરમાં
સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલાં સોગંદનામામાં કહેવાયું છે કે, દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે ચાર હજારથી વધુ ગુના નોંધાયેલા છે,
જેમની સામે ગુના નોંધાયેલા છે તેમાં 300થી વધુ સાંસદ અને 14 મુખ્યમંત્રીનો સામવેશ થાય છે.
મજબૂત લોકશાહી ધરાવતાં ભારતમાં લોકપ્રતિનિધિઓના ગુનાહિત કેસની આ અધધધ સંખ્યા રાજકારણમાં
નૈતિકતાના માપદંડોનો લોપ થઈ રહ્યો હોવાનું સાબિત કરી આપે છે. સાથોસાથ એવો સવાલ પણ જાગે
છે કે... રાજનેતાઓ સામેના કેસમાં ઝડપી અદાલતી કાર્યવાહી માટે અલાયદી વ્યવસ્થા હોવા
છતાં તેના નિકાલમાં આટલો બધો સમય શા માટે લાગે છે
? આ સોગંદનામામાં અપાયેલી માહિતી મુજબ વર્ષ 202પમાં સાંસદો અને ધારાસભ્યોની
સામેના 1,243 ગુનાહિત કેસોનો નિકાલ થયો હતો, પણ વક્રતા એ છે કે, એ વર્ષે નવા 1,0પ0 કેસ આ લોકપ્રતિનિધિઓની સામે નોંધાયા હતા.
દેશમાં ખરડાયેલા રાજકારણીઓના વધી રહેલા પ્રભાવ અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત થઈ રહી
છે. આ મુદ્દે અલગ અલગ મંચો પર ચર્ચા પણ થતી રહી છે. આ ઉપરાંત મહત્ત્વની બાબત એ છે કે, ગુનાહિત છબી ધરાવતા નેતાઓને ચૂંટણી લડતા રોકવાના
કાયદા પણ અસ્તિત્વમાં છે. જો કે, આ કાયદાની છટકબારી શોધીને ગુનાહિત
તત્ત્વો લોકપ્રતિનિધિ બની જતા હોય છે. કાયદા મુજબ ગુનેગાર ઠરે નહીં, ત્યાં સુધી કોઈને ચૂંટણી લડતા રોકી શકાય નહીં, પણ આવા
નેતાઓની સામેના કેસ એટલા લંબાય છે કે, તેમને રોકી શકાતા નથી.
સમાન્ય રીતે રાજનેતા કે લોકપ્રતિનિધિ તરફ સમાજ આદર ધરાવે છે, પણ જ્યારે આ નેતાની સામે ગંભીર ગુનાહિત આરોપો હોય, ત્યારે
આ આદર હલી જતો હોય છે. આવામાં પ્રમાણિક અને નૈતિક રાજકારણની સામે સવાલ ઊભા થવા લાગે
છે. ખેરખર તો આદર્શ સ્થિતિ એવી હોવી જોઈએ કે, દાગી ધારાસભ્ય કે
સાંસદે તેમના કેસના નિરાકરણ સુધી પદ છોડીને નૈતિકતાની અનુભુતિ કરાવે, પણ રાજકીય પદ જ આવા તત્ત્વોની માટે ઢાલ બની જતા હોવાની પ્રતિતિ એક કરતા વધુ વખત થઈ છે. આમ તો ચૂંટણીપંચે તમામ ઉમેદવારોને ચૂંટણીનું
ફોર્મ ભરવાની સાથે તેમની સામેના ગુનાની વિગતો સોગંદનામાથી જાહેર કરવાનું ફરજિયાત કર્યું
છે. આમ મતદારો મતદાન કરતા પહેલાથી ઉમેદવારોના
ગુનાહિત ઈતિહાસથી બારાબર જાણકારી ધરાવતા હોય છે. આવી વ્યવસ્થા હોવા છતાં ગુનાહિત કેસ
ધરાવતા ઉમેદવારો બાહુ બળ કે નાણાંના બળે ચૂંટણી જીતીને લોકશાહીને શરમજનક હાલતમાં મુકતા
રહે છે.