ભુજ, તા. 23 : કચ્છમાં વખતોવખત મેલેરિયા ઘટયો
તેમાં પર્યાવરણને નુકસાન કર્યા વિના માદા એનોફિલીસ મચ્છરના પોરાનું ભક્ષણ કરતી ગમ્બુસિયા
માછલીનો પણ મુખ્ય ફાળો મનાય છે. ગત સાત મહિનામાં મેલેરિયાના 25, ડેન્ગ્યૂના 16 અને ચિકનગુનિયાનો તો એપ્રિલમાં
માત્ર એક જ કેસ નોંધાયો હતો. જિલ્લા મેલેરિયા તંત્રની ટીમો દ્વારા ચાલુ વર્ષે મેલેરિયા
પ્રતિરોધક કામગીરી માટે 921 ગામ તારવી
491 ટીમ દ્વારા 19.15 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ
કરાયું છે. આ કામગીરી ચાલુમાં છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી જિલ્લામાં મેલેરિયાના-24 અને ગાંધીધામ મનપામાં 1, ડેન્ગ્યૂના જિલ્લામાં 13 અને મનપામાં 3 કેસ નોંધાયા છે. 921 ગામની અંદાજિત કુલ વસતી 19.67 લાખમાંથી 16.09 લાખ ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા
વિસ્તારની 5.87 લાખની વસ્તીમાંથી 3.05 લાખ લોકોનો સર્વે થઈ ગયો હોવાનું
જિલ્લા મલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યું હતું. વરસાદી માહોલમાં પીવાનું
પાણી દૂષિત થવાની સંભાવના રહેલી હોય છે. જેનાથી ઝાડા-ઊલટી ન થાય તે માટે તંત્ર દ્વારા
પાણીના ટાંકા સહિતના સંગ્રહ સ્થાનો પૈકી 2360 સ્રોતના ક્લોરીન ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 42 સ્રોતમાં પાણી પીવાલાયક ન જણાતાં
11,199 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ ગ્રામ
પંચાયતોને કરાયું હતું.
આ માછલી જળાશયનું પાણી તપાસીને પછી જ પાત્રમાંથી બહાર નીકળે
કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના પોરાભક્ષક ગમ્બુસિયા માછલીનો
94 હેચરીમાં ઉછેર કરાય છે, તેમાંથી 53 કુદરતી માછલી ઉછેર કેન્દ્ર
છે, જ્યારે 41 હોજ-કૃત્રિમ માછલી ઉછેર કેન્દ્ર
છે. બારમાસી પાણી ભરાયેલું રહેતું હોય તેવા જળાશયમાં એક જવાર માછલી મૂકાય છે. સુકાઈ
જતા તળાવ વરસાદી પાણીથી જ્યારે-જ્યારે ભરાય ત્યારે મૂકવી પડે છે. આ માછલી સંવેદનશીલ
હોય છે. હેચરીમાંથી ટાંકીમાં લઈ જવાય, ટાંકીમાં પછડાય નહીં તે માટે વાહનની ઝડપ 20 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી
જોઈએ. જળાશયમાં ટાંકીને આડી કરીને ડુબાડવામાં આવે ત્યારે ગમ્બુસિયા જળાશયના મીઠા પાણીને
તપાસે, અનુકુળ લાગે તો જ બહાર નીકળે, પછી આખા તળાવમાં ચક્કર લગાવી છૂટી પડી પોરા ખાવાનું શરૂ કરે. 12 ચો. મીટરે પાંચથી છ પ્રમાણે
માછલી મુકાય છે. ચારેક વર્ષનું આયુષ્ય ધરાવતા નર માછલા 4.5 સેમી જેટલા, તો માછલી 5.2થી 6.8 સેમી લાંબી થઈ શકે છે. એક દિવસમાં
100થી 300 પોરાનું ભક્ષણ કરી મચ્છરની
ઉત્પત્તિ થતી અટકાવે છે.