ભુજ, તા. 23 : રંગ અને શબ્દના સંગમથી ઈતિહાસનું
પુન:સર્જન થયું છે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. કચ્છની સંસ્કૃતિ તથા કલા વારસાના સંરક્ષણ
હેતુથી કલાતીર્થ ટ્રસ્ટ-સુરત અને પ્રાગમહેલ ટ્રસ્ટ- ભુજના સંયુક્ત ઉપક્રમે કચ્છના મહારાવના
તૈલચિત્રોનું અનાવરણ, કલાગંગોત્રી
ગ્રંથ-37 કચ્છના રાજવી રત્નોનું લોકાર્પણ
તથા કલાસાધકો અને શબ્દસાધકોનો અભિવાદન સમારોહ રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીની અધ્યક્ષતામાં
યોજાયો હતો. કચ્છના ઈતિહાસમાં કચ્છી કલા અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોચાડવામાં
આ ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ ઉપયોગી નીવડશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. ભુજના પ્રાગમહેલ, દરબારગઢ ખાતે યોજાયેલા કચ્છના રાજવી પરિવારના
ઈતિહાસ અને કલાસંસ્કૃતિને દસ્તાવેજીકૃત કરતા આ ઐતિહાસિક સમારોહનો પ્રારંભ દીપપ્રાગટયથી
કરાયો હતો. મહારાણી પ્રીતિદેવીના હસ્તે ઉદ્ઘાટન કરી મહારાવના તૈલચિત્રોથી શોભિત ચિત્રવીથિકા
પ્રદર્શન માટે ખુલ્લી મુકાઈ હતી. મહારાજા પ્રાગમલજીનાં સપનાઓને સાકાર કરતા અવિતર પ્રકલ્પોમાં
યોગદાન બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે મહારાણીએ આશીર્વચન પાઠવ્યા હતા. બીજા ચરણમાં કચ્છના
રાજવી રત્નો કલાગંગોત્રી ગ્રંથ-37નું લોકાર્પણ મંચસ્થો, અતિથિવિશેષો તથા વિશેષ ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું. ત્યારબાદ આ ગ્રંથના આઠ
શબ્દસાધકો તથા વીસ કલાસાધકોને અભિવાદનપત્રથી પોંખવામાં આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં
સમારોહના ઉદ્ઘાટક તથા સમગ્ર પ્રકલ્પના સૌજન્ય દાતા દેવેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું
કે, કચ્છ શું હતું, શું છે અને શું રહેશે
તેનું આલેખન કરાયું છે તેમજ વિશ્વ મંચ પર પહોંચાડવા ગુજરાતી તથા અંગ્રેજી દ્વિભાષામાં દસ્તાવેજીકરણ કરાયું છે.
આ શરૂઆત છે અને હજી ઘણું કાર્ય બાકી છે તેમ જણાવતાં જાણીતા ઉદ્યોગપતિ અને પ્રાગમહેલ ટ્રસ્ટના ટ્રસ્ટી દીપેશભાઈ શ્રોફે
કલાગંગોત્રી ગ્રંથ-37નાં લોકાર્પણ
પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ ગ્રંથ પ્રકાશિત કરવાના
આ કાર્યને ટૂંક સમયમાં પાર પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ દરબાર ગઢ વિશે જાગૃતિકુમારી
દ્વારા રચિત કવિતા રજૂ કરાઈ હતી. રાજપરિવારના કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાએ કચ્છની સંસ્કૃતિ
અને ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ ત્રિવેણી સંગમસમા આ સમારોહને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ પ્રસંગે
કલાવિવેચક કનુભાઈ પટેલે રંગ અને શબ્દ બન્નેનો સંગમ ઈતિહાસનું પુન:સર્જન કરી રહ્યા હોવાનું
જણાવતાં લોકાર્પણ પ્રસંગે આનંદ વ્યક્ત કર્યો હતો. વીસ તૈલચિત્રો કચ્છના ચાર સદી સુધીના
દૃશ્ય પ્રકરણો છે તેમ ઉમેર્યું હતું. ભવિષ્યમાં ઈતિહાસના વિદ્યાર્થીઓ, સંશોધકો, કલાકારો માટે
સંશોધન સંદર્ભ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સ્મૃતિઓ સંગ્રહાલયમાં મુલાકાતીઓ
માટે આકર્ષણ સાથે કલા ઈતિહાસનું કેન્દ્ર બની રહેશે. આ પ્રસંગે 1510થી કચ્છની આરંભાયેલી યાત્રા
ક્યાં પહોંચી તેના સંપૂર્ણ પ્રકરણો ગ્રંથમાં દર્શાવ્યા હોવાનું નિસર્ગભાઈ આહીરે જણાવ્યું
હતું. કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આ પુસ્તક પીએચ.ડી. કરવા માટે
સંશોધન ગ્રંથ તરીકે ઉપયોગમાં આવશે તેમ જણાવ્યું હતું અને કચ્છના મહારાવો પ્રત્યે ઉત્તરદાયિત્વના
ભાગરૂપે કચ્છની સંસ્કૃતિ-કલાના જતન- સંવર્ધન કરતાં રહીએ અને ઈતિહાસ ઉજાગર કરતા રહીએ
તેવી આશા વ્યક્ત કરી પ્રકલ્પની ભૂમિકા રજૂ કરી હતી. જાણીતા લેખક-સંશોધક સંજયભાઈ ઠાકરે આ પ્રસંગને કચ્છના
ભાલે કરેલું સાંસ્કૃતિક તિલક છે તેમ કહી બિરદાવ્યો હતો. સંખ્યાબંધ સંદર્ભો અને બેઠકો
પછી આઠ માસની મહેનત બાદ 286 પાનાનો આ
દળદાર ગ્રંથ તૈયાર થયો હોવાની વિગતે માહિતી આપી હતી. ગ્રંથના લેખકો વતી પ્રતિભાવ આપતાં
પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સરસ્વતીની ઉપાસનાથી અંતરમાં નિજાનંદની
અનુભૂતિ થાય, જે ગૂગલમાંથી ન મળે તે
કથા આગવી રીતે આલેખવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. 20 ચિત્રકારો વતી પ્રતિભાવમાં
જાણીતા ચિત્રકાર નવીનભાઈ સોનીએ કલાકારોને મંચ મળવા બદલ આભાર વ્યક્ત કરી સાત શબ્દસાધકો
તથા કલાસાધકો મળી 27 નક્ષત્રો
ઝળહળી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. આ અવસરે પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, જાણીતા વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ,
ધારાશાત્રી ભરતભાઈ ધોળકિયા, દેવરાજભાઈ ગઢવી,
કચ્છ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. કાંતિભાઈ ગોર, સ્મૃતિવન
સંગ્રહાલયના નિયામક ડો. મનોજ પાંડે, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય,
મહેશ ગોસ્વામી, પંકજ ઝાલા, પંકજભાઈ શાહ, મધુકરભાઈ ઠક્કર, રાજવી
પરિવારના સભ્યો વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અર્ચનાબેન ચૌહાણ તથા આભારવિધિ નરેશભાઈ
અંતાણીએ કરી હતી. ગેલેરીમાં ચિત્ર સાથે મુકાયેલા ક્યુઆર કોડથી સમગ્ર લેખ વાંચવા મળી
રહેશે તેમ જણાવ્યું હતું.
અભિવાદનપત્રથી સન્માનિત
શબ્દ સ્પર્ધકો
* પુષ્પદાનભાઈ ગઢવી * દલપતભાઈ દાણીધારિયા
* નરેશભાઈ અંતાણી * પ્રમોદભાઈ જેઠી
* સંજયભાઈ પી. ઠાકર * હસમુખભાઈ અબોટી `ચંદન'
* વિમલા ઠક્કર * ડો. મહાદેવભાઈ બારડ
કલા સાધકો
* નવીનભાઈ સોની * દિનેશભાઈ સોની
* બિપિનભાઈ સોની * નાનજીભાઈ રાઠોડ
* જિતેન્દ્રસિંહ પઢિયાર * કિશોરભાઈ રાઠોડ
* હરેશભાઈ શેખા * સંજયભાઈ ગોહિલ
* મનોજભાઈ સોની * રજનીકાંત જોબનપુત્રા
* દેવજીભાઈ મહેશ્વરી * લાલજીભાઈ જોષી
* જિગરભાઈ સોની * ભરતભાઈ જોગી
* નીતિનભાઈ સુથાર * માનસિંહભાઈ રાઠોડ
* અશોકભાઈ જાની * અસલમભાઈ કુરેશી
* અનિલભાઈ જોષી * સુલેમાન સિરાજ