નખત્રાણા, તા. 23 : નખત્રાણા એસ.ટી. ડેપોના 40 રૂટ પૈકી 15 જેટલી બસો ખખડધજ હોવાથી વારંવાર
ખોટીપો સર્જાવાથી પ્રવાસીઓ રઝળી પડે છે તો આવી બ્રેકડાઉન થયેલી બસોને અપૂરતા સ્ટાફના
કારણે મિકેનિકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે. નખત્રાણાથી
જિલ્લાના તમામ તાલુકાને સાંકળતી અને બૃહદ જિલ્લાઓમાં 40 રૂટ ચલાવાય છે તેમાં ખાસ કરીને
ગ્રાહ્ય વિસ્તારોને સાંકળતા રૂટ ઉપર 8થી 9 લાખ કિલોમીટર
ચાલી ગયેલી જૂની ખખડધજ બસો ચલાવાતી હોવાથી ઓચિંતો ખોટીપો સર્જાવાના બનાવો બનતા રહેતા
હોય છે. જેથી તેમાં શહેરી વિસ્તારમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓને હેરાનગતિ
થાય છે તેવી જાગૃત નાગરિકો દ્વારા એસ.ટી. તંત્ર સમક્ષ રજૂઆતો કરાઇ હતી. ચાલુ વર્ષે
લાંબા રૂટ માટે માત્ર બે બસ ફાળવાઇ છે જેમાં નખત્રાણાથી સોમનાથ અગાઉ બપોરે 3 વાગ્યે ઊપડતી તેનો સમય બન્ને બાજુથી સાંજે
6 વાગ્યાનો કરાતાં પ્રવાસીઓને 12 કલાક જેટલો અનુકૂળ સમય મળતો
થવાથી આનંદની લાગણી ફેલાઇ છે. આ એકસપ્રેસ બસ રાત્રિના ચાલતી હોવાથી સ્લીપર કોચ ચલાવવા
માંગ ઊઠી છે. નખત્રાણાથી આણંદ અને બોડેલી વડોદરા બસ વર્ષો જૂની હોવાથી નવી બસો ફાળવવા
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. નખત્રાણાથી સાંજે 4 વાગ્યે ઊપડતી બોડેલી-વડોદરાનું અંતર 625 કિ.મી છે. લાંબા અંતરમાં તદ્દન
જૂની બસ ઘણી વખત બ્રેકડાઉન થતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતાં હોય છે.