પાકિસ્તાની અંકુશ હેઠળના કાશ્મીરી પ્રદેશમાં લોકો ઉપર ગુજારાતા
જુલમ સામે અવાજ ઊઠયો છે, હકીકતમાં પાકિસ્તાની
શાસકો સામે બળવો શરૂ થયો છે, ત્યારે ભારતમાં નીમાયેલા અમેરિકી
એલચીએ ભારતીય કાશ્મીરની મુલાકાત લઈને ભારત સરકારે કરેલી સુરક્ષા - સલામતીની વ્યવસ્થાની
પ્રશંસા કરી છે. ભારત સરકારે ઉત્તમ પગલાં ભરીને શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે એમ પણ કહ્યું
છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે એમ કહીને પાકિસ્તાની શાસકોને મોટો ઝટકો આપ્યો છે.
કાશ્મીર ભારતનો જ એક ભાગ છે, ભારતનાં અન્ય રાજ્યોની જેમ એક ભારતીય
રાજ્ય છે એમ સાબિત કરવા માટે અમેરિકા અથવા અન્ય કોઈ પણ દેશનાં સર્ટિફિકેટની જરૂર નથી
અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનાં વિધાનથી રાજીના રેડ થવાની પણ જરૂર નથી. આટલા દાયકાઓ
પછી અમેરિકાને પાકિસ્તાનની બરબાદી અને ભારતની આઝાદીનું ભાન થાય અને જાહેરમાં સ્વીકાર
થાય તેનું મહત્ત્વ છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ બાબત બહુ ઉમળકો બતાવ્યો નથી તે
યોગ્ય છે. પાકિસ્તાને કાશ્મીરીઓને ગુલામ બનાવ્યા છે, ત્રાસ ગુજારે
છે, ત્યારે ભારતના વતની કાશ્મીરીઓને જરૂર સુખ-સંતોષ અને સલામતીનો
અનુભવ થતો હશે - થવો જ જોઈએ. વીતેલા દાયકાઓમાં પાકિસ્તાન પ્રેરિત અલગતાવાદીઓએ આતંકવાદને
આવકાર આપ્યો, પનાહ આપી અને અશાંતિ - હિંસાચાર શરૂ થયો,
પણ હવે છેલ્લાં 10 વર્ષ દરમિયાન મુક્ત ચૂંટણી, વ્યવસ્થિત મતદાન અને સાર્વત્રિક વિકાસ થયો છે,
થઈ રહ્યો છે અને પરિણામે પાકિસ્તાની આતંકવાદીઓ જહન્નમમાં લાઈન લગાવીને
ઊભા છે, પડયા છે. આ દરમિયાન ભારતીય સંવિધાનની કલમ 370નું કલંક ભૂંસીને રદબાતલ થયા
પછી કેટલાક સ્વદેશી અને વિદેશી ભારતના હિતશત્રુઓ નિરાશ-હતાશ થયા છે. અલબત્ત, થોડો છટપટાહટ છે - તે આતંકવાદના અંતિમશ્વાસ
જેવો છે! ભારતમાં પણ હજી કેટલાક લોકોને આશા છે, કે કાશ્મીરને
સ્વાયત્તતા પાછી મળશે. જો કે, આમાં કોંગ્રેસીઓ અને કાશ્મીરના
અલગતાવાદી નેતાઓ તથા અર્બન નકસલીઓનું પ્રમાણ વધુ છે. ભારત - હિન્દુસ્તાનના ભાગલા પછી
પાકિસ્તાનની નજર આપણા કાશ્મીર પ્રદેશ ઉપર હતી અને વિશ્વમાં સત્તાનાં સમીકરણ માટે અમેરિકાએ
પાકિસ્તાનનું સમર્થન - નક્શામાં અને યુનાઇટેડ નેશન્સમાં પણ કર્યું હતું, હવે અમેરિકાના શાસકોને પોતાની ભૂલ સમજાઈ હોય એમ લાગે છે. આ સ્વીકારને આપણે
આવકારીએ છીએ, પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્વભાવગત નીતિ રીતિ
જોતાં - `નીવડે વખાણ'માં ડહાપણ બતાવવાની આપણી નીતિ યોગ્ય છે. આ દરમિયાન
પ્રમુખ ટ્રમ્પ પણ ભારતની નિષ્પક્ષ સફળ ચૂંટણી પ્રક્રિયા ઉપર વારી ગયા છે, વરસ્યા છે! અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા સામે એમને આક્રોશ છે, તેનું પ્રદર્શન ભૂતકાળમાં ટ્રમ્પ હાર્યા ત્યારનાં દૃશ્યોમાં થયું હતું,
પણ હવે તેઓ સુધારા કરવા માગે છે, અમેરિકાના મતદારોના
મતાધિકાર અને મતદાતાઓની ઓળખ - `અમેરિકા બચાવો'ની કાયદેસર વ્યવસ્થા - રક્ષા કરવા માગે છે અને આ માટે એમની નજરમાં અને મનમાં ભારતની ચૂંટણી
પ્રક્રિયા વસી ગઈ છે! મતદાર ઓળખપત્ર દ્વારા થતાં મતદાન અને તેના માટેની નોંધણી પ્રક્રિયા
પર ટ્રમ્પ ઓવારી ગયા છે. એમાં ટ્રમ્પનો પોતાની નીતિઓ આગળ વધારવાનો સ્વાર્થ પણ ખરો જ.
તાજેતરમાં ભારતમાં અમેરિકી એલચી સર્જિયા ગોર નવી દિલ્હીનાં નિર્વાચન સદનમાં મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશકુમારને મળ્યા, બંને દેશ વચ્ચે લોકતંત્ર માટે સહકાર
તથા ચૂંટણી વ્યવસ્થા અને ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપવા અંગે સહમતી થઈ છે. સર્જિયા
ગોરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ નવી દિલ્હી મુલાકાતની ફળશ્રુતિ જણાવી, ત્યારે ટ્રમ્પ સાહેબ - આભા, આશ્ચર્યચકિત થઈ ગયા - ભારતના
લગભગ 65 કરોડ મતદાર પાસે ફોટો - ઓળખપત્રો
છે અને મતદાન કરે છે...! માત્ર એક ટકો ટપાલથી મત આપે છે! ભારતની લોકશાહીની આ અદ્ભુત
સફળતા છે - ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો ભારતના વિરોધી નેતાઓ - વિશેષ કરીને રાહુલ ગાંધીને
કાન - અથવા છાતી સોંસરવા લાગ્યા હશે! ભારતની ચૂંટણી પ્રક્રિયા શાહી અને મતપત્રકોથી
મશીનો સુધી - શંકા જગાવનારા હવે કહે છે, આપણા વોટિંગ મશીનો અને જ્ઞાનેશકુમારને પણ અમેરિકા મોકલી આપો! જો કે,
હવે મશીન કરતાં પહેલાં આપણી શાખ, ચૂંટણીની વ્યવસ્થા
અમેરિકા પહોંચી ગઈ છે!