નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં સતત
થતી ગરબડ અને પેપરમાં થતાં ગોટાળા-છબરડા તથા દેશવ્યાપી જેન ઝી આંદોલનો પછી હવે અનેક
મોટા ફેરફાર હાથ ધરાઈ રહ્યા છે. ગયા મહિને પ0થી વધુ કર્મચારીને દૂર કરાયા પછી હવે પેપર સેટ કરનારા 600 એક્સપર્ટ્સને દૂર કરાયા હોવાના
સમાચાર આવ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ એનટીએએ કબૂલાત કરી હતી કે, યુજીસી-નેટની ગત જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાના
ઈંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજીના પ્રશ્નપત્રોમાં અનેક ભૂલો હતી
અને કેટલાક પ્રશ્નો રિપીટ થયા હતા. આવી ભૂલો અક્ષમ્ય ગણાય, કેમ
કે આ પરીક્ષાઓ દેશભરમાંથી લાખો લોકો આપતા હોય છે અને તેમનાં ભવિષ્ય તેનાં પરિણામ સાથે
સંકળાયેલા હોય છે. આવી મહત્ત્વની પરીક્ષાઓ બાબતે એનટીએની ખામીઓ વારંવાર સામે આવી છે
અને આના માટે આ એજન્સીના માળખાંમાં કેટલીક મૂળભૂત કમીઓ જવાબદાર છે. વારંવાર પેપર લીક
થવા ઉપરાંત તથ્યાત્મક ભૂલો, ટાઈપિંગ અને અનુવાદની ખામી તથા પ્રશ્નો
રિપીટ થવાને પગલે માળખાંમાં સુધારા આવશ્યક હતા. આવામાં, સીટીઓ
અને સીએફઓ જેવાં પદો પર નિષ્ણાતોની નિમણૂક આવકારદાયક બાબત છે, તો સાયબર સિક્યોરિટી, સાયકોમેટ્રિક્સ અને પેપર ડિઝાઈન
કરવામાં ખાનગી ક્ષેત્રમાંના નિષ્ણાતોની મદદ લેવાશે. તેમનો અનુભવ છીંડાં દૂર કરવામાં
મદદરૂપ થશે એવી આશા છે. જૂના લોકોને હટાવી, નવાને લવાયા એ સારી
વાત છે, પણ જવાબદારી સ્પષ્ટ હોવી જોઈએ, કેમ કે નીટ પેપર લીક મામલામાં સીબીઆઇની ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે કે,
પેપર સેટ કરનારાઓ તથા અન્ય લોકો જેમની પહોંચ પેપર સુધી હતી, તેઓ જ લીક સાથે સંકળાયેલા હતા. આથી, ઉત્તરદાયિત્વ નક્કી
કરવું સૌથી જરૂરી છે. સાથે જ પારદર્શિતા પર પણ ભાર અપાય એ આવશ્યક છે. શિક્ષણ મંત્રાલયે
એનટીએની પરીક્ષા પ્રક્રિયાનું ઓડિટ કરાવવા તથા સુધારા બાબતે લેવાયેલાં પગલાંનો અહેવાલ
માગ્યો છે. નિષ્પક્ષ, પારદર્શી અને સલામત પરીક્ષા વ્યવસ્થા આપવી
એ સરકારની જવાબદારી છે અને પરીક્ષા સંબંધી કાયદાને ધારદાર બનાવી સરકારે આ દિશામાં પહેલું
પગલું લઈ લીધું છે. પેપર ફોડવાના ધંધા-ઉદ્યોગ પર આ કાયદાને કારણે અંકુશ આવશે,
એવી તેની ધાક છે, કેમ કે સજા અને દંડની જોગવાઈમાં
નોંધપાત્ર વધારો કરાયો છે. નિષ્ણાતોની સમિતિની રચના આ મોરચે બીજું મહત્ત્વનું પગલું
હતું. જો કે, પરીક્ષાઓ બાબતે સુધારાત્મક પગલાં મુદ્દે કે. રાધાક્રિષ્નન
સમિતિના અહેવાલ પર મોડેથી જ કેમ ન હોય, અમલ શરૂ થયો છે. ભૂલોમાંથી
શીખી, તેનું પુનરાવર્તન ટાળવામાં આવે, તો
પણ આ મોરચે અડધો જંગ જીત્યા જેવું ગણાશે.