• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

37 લાખના હેરોઇન સાથે ટ્રેઇલરનો ચાલક જબ્બે

ભુજ, તા. 23 : નશાની ગર્તામાં કચ્છનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે ત્યારે એક પછી એક શરાબ અને માદક પદાર્થ ઝડપાયાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે, ત્યારે ગઇકાલે રાત્રે એસઓજીએ પંજાબના ટ્રેઇલર-કન્ટેનરના ચાલકને મોખા- પ્રાગપર રોડ પાસેથી માદક પદાર્થ હેરોઇન 185 ગ્રામનો જથ્થો કિં.રૂા. 37 લાખ સાથે ઝડપી લીધાનું સામે આવ્યું છે. જ્યારે મુંદરા પોલીસે પણ ધબ્ર ખાતેથી એક શખ્સને ગાંજો 1.663 કિ.ગ્રા. કિં.રૂા. 83,250ના મુદ્દામાલ સાથે પકડી લીધો છે. ગઇકાલે એસઓજીની ટીમનું મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હતું ત્યારે બાતમી મળી હતી કે, કારજસિંઘ (રહે. પંજાબવાળો) એક કન્ટેનર-ટ્રેઇલર નં. પી.બી.-04-વી-8266 લઇને આવ્યો છે. હાલ મોખા-પ્રાગપર રોડ પરના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી ઊભો છે અને તેની પાસે ડ્રગ્સ છે. આ બાતમીના પગલે જરૂરી કાર્યવાહી કરી પંચોને સાથે રાખી દરોડો પાડી બાતમીવાળા કન્ટેનર-ટ્રેઇલરમાંથી કારજસિંઘ કુલબીરસિંઘ માનીસ (રહે. જફફારવાલા, તા. ધરમકોટ, જિ. મોગા, પંજાબ)ને ઝડની તેના ટ્રેઇલરની તલાશી લેતાં તેમાંથી મળેલા હેન્ડબેગમાં ટ્રેઇલરના કાગળો તેમજ કોથળીમાં ક્રીમ કલરનો પાઉડર તથા ગાંગડા સ્વરૂપે શંકાસ્પદ પદાર્થ જોવા મળ્યો હતો. આ માદક પદાર્થ હેરોઇનનો જથ્થો 185 ગ્રામ કિં.રૂા. 37,00,000 સાથે બે મોબાઇલ કિં.રૂા. 20,000, રોકડા રૂા. 1,59,105, ડિજિટલ કાંટો, ટ્રેઇલર કિં.રૂા. 40,00,000 અને કન્ટેનર કિં.રૂા. 80,00,000 એમ કુલ્લે રૂા. 1,58,79,305ના મુદ્દામાલ સાથે કારજસિંઘની અટક કરી તેની પૂછપરછ કરતાં આ માલ આજથી પાંચ-છ દિવસ પહેલાં તેના મિત્ર રવિ ઉર્ફે બદ્ધા (રહે. મોગા, પંજાબ) પાસેથી 200 ગ્રામ રૂા. 2,40,000 રોકડા આપી ખરીદ્યું હતું. તે ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. આમ એસઓજીએ બંને વિરુદ્ધ પ્રાગપર પોલીસ મથકે એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એ. ડી. પરમાર, પીએસઆઇ ટી. બી. રબારી, એએસઆઇ ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, માણેકભાઇ ગઢવી, હે.કો. ગોપાલભાઇ ગઢવી, ભાવેશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, ડ્રાઇવર-હે.કો. મહિપતસિંહ સોલંકી જોડાયા હતા. બીજીતરફ ગઇકાલે સાંજે બાતમીના આધારે મુંદરા પોલીસે ધ્રબમાં ન્યૂ ઓમકાર કાંટા પાછળ આવેલી અબ્દુલ તુર્કની કોલોનીમાં રૂમ નં. 8માં દરોડો પાડી તેમાં રહેતા મુકેશ ઉમેશ મુખિયા (મૂળ બિહાર)ને માદક પદાર્થ ગાંજો 1.663 કિ.ગ્રા. કિં.રૂા. 83,150 તથા એક મોબાઇલ કિં.રૂા. 5000 અને રોકડા રૂા. 200 સાથે ઝડપી લીધો હતો. મુકેશની પોલીસે પૂછતાછ કરતાં આ ગાંજો તેને બીજલીકુમારી કરણકુમાર મહતો (રહે. ચકબલી, બેગુસરાય, બિહાર) આપી ગઇ હતી. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

પંજાબથી કચ્છ સુધી ડ્રગ્સની હરતી-ફરતી દુકાન

ગઈકાલે મોખા-પ્રાગપર રોડ પર પાર્ક કરેલાં કન્ટેઈનર-ટ્રેઈલરના ચાલક કારજસિંઘ (રહે. પંજાબ) પાસેથી 185 ગ્રામ હેરોઈનનો જથ્થો એસઓજીએ ઝડપી પાડયો હતો. આ હેરોઈન પંજાબથી તેના મિત્ર પાસેથી વેચાણે લીધું હતું. તે પંજાબથી કચ્છ આવતો હતો એટલે છૂટક વેચાણ અર્થે હેરોઈન લીધું હતું. આમ પંજાબથી કચ્છ સુધી રસ્તામાં માંગ મુજબ હેરોઈન છૂટક વેચતો હોવાનું સામે આવ્યું છે. ઊડતા પંજાબ હવે કચ્છ સુધી ઊડવા નીકળ્યાનું ઉજાગર થયું છે. આ કન્ટેનર- ટ્રેઈલર પંજાબથી કચ્છ સુધી માર્ગ પર દોડતી ડ્રગ્સની હરતી-ફરતી દુકાન હોય તેમ લાગી રહ્યું છે આવા ડ્રગ્સના ગ્રાહક પણ વધુ પડતા તો ભારે વાહનચાલકો જ હોવાની સંભાવના નકારી શકાય નહીં. આમ ડ્રગ્સના સેવન સાથે થતાં ડ્રાઈવિંગ થકી માર્ગોમાં અકસ્માતનું જોખમ વધી  જ જાય. આમ આ રીતથી હરતી-ફરતી ડ્રગ્સની દુકાન કેટલી જોખમી છે તે સમજી શકાય છે. આ દિશામાં પોલીસ ધ્યાન કેન્દ્રિત કરી વિશેષ ઝુંબેશ આદરે તે આ કિસ્સા પરથી જરૂરી બન્યું છે.

Panchang

dd