• શનિવાર, 27 જુલાઈ, 2024

`ઇન્ડિયા'નો સંઘ દિલ્હી પહોંચશે ?

વિપક્ષી છાવણી `ઇન્ડિયા'એ રણનીતિને આખરી સ્વરૂપ આપવાની તૈયારી શરૂ કરી છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારનાં નિવાસસ્થાને સમન્વય સમિતિની મળેલી બેઠકમાં નક્કી થયું છે કે, વિપક્ષી ગઠબંધન દેશના જુદા જુદા વિસ્તારોમાં સંયુક્ત રેલીઓની શરૂઆત કરશે. પહેલી ઓક્ટોબરે ભોપાલમાં રેલી છે. બેઠકમાં પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબત કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. આ બાબતે પહેલાં રાજ્ય સ્તરની સહમતી સાધવામાં આવે અને ત્યારબાદ જ આગળ વધવામાં આવશે. અર્થાત્ બેઠકોની વહેંચણી રાજ્ય સ્તરના નેતાઓ પર છોડવામાં આવશે, જેનો ઓક્ટોબર આખર સુધીમાં નિર્ણય લેવામાં આવશે. બેઠકોની વહેંચણીની વાટાઘાટ અનેક રાજ્યોમાં ઘણી જટિલ હશે. જ્યાં પહેલેથી જે બેઠકો `ઇન્ડિયા' ગઠબંધનના વિભિન્ન પક્ષો પાસે છે, ત્યાંના પક્ષો એ બેઠકો ખાલી કરવા તૈયાર નહીં થાય, પરિણામે પ્રક્રિયામાં વધુ સમય લાગશે. આ ઉપરાંત ગઠબંધનમાં સામેલ પક્ષો પોતાનાં રાજ્યમાં પ્રભાવ ધરાવતા હોવાથી ઈચ્છી રહ્યા છે કે, કોંગ્રેસ ઓછામાં ઓછી બેઠકો પર ચૂંટણી લડે. કેટલાક પક્ષોનું એ સૂચન છે કે, કોંગ્રેસે ફક્ત બસ્સો બેઠક પર ચૂંટણી લડવી જોઈએ, જ્યાં તેની ભાજપથી સીધી લડાઈ છે. કોંગ્રેસને આ માન્ય હશે? કારણ કે, આ પહેલાં અનેક રાજ્યોમાં તેનો રાજનીતિક આધાર નબળો પડી ગયો છે. ભૂતકાળમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે સહયોગી પક્ષો માટે બેઠકો છોડી હતી. કેટલાંક રાજ્યોમાં તે ત્રીજા કે ચોથા નંબરનો પક્ષ બની ગયો હતો. એક સમયે કિલ્લા ગણાતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ પગ નીચેથી ધરતી ખસી ગઈ ! મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીમાં કદાચ શરદ પવાર સફળ થઈ શકે, પરંતુ તેમના માટે બંગાળમાં મમતા બેનરજી અને દિલ્હી તેમજ પંજાબમાં અરવિંદ કેજરીવાલને રાજી કરવાનું કઠિન હશે. મમતા બેનરજીને બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ એકસાથે રહે એ કબૂલ નથી, જ્યારે પંજાબ અને દિલ્હીમાં `આપ' પોતાને કોંગ્રેસથી અધિક શક્તિશાળી માને છે. દિલ્હી પછી પંજાબમાં સત્તા મેળવ્યા પછી તે રાષ્ટ્રીય પક્ષ તરીકે જનાધાર ખૂબ અધિક વધારવા માટે તત્પર છે. `ઇન્ડિયા'નો રાજકીય અને શાસનિક એજન્ડા પણ તૈયાર નથી. પોતે સત્તામાં આવે તો વિકાસનું મોડેલ શું હશે અને તે કઈ નીતિઓ પર ચાલશે તે બતાવવામાં પણ નિષ્ફળ છે. ત્યારે પ્રશ્ન છે કે, `ઇન્ડિયા'નો સંઘ નવી દિલ્હી પહોંચશે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang