ગાંધીધામ, તા. 24 : ભચાઉમાં
જાહેરમાં ધાણીપાસા ફેંકતા ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડી રૂ.17,100 જપ્ત કર્યા હતા. જોકે એક શખ્સ નાસી ગયો હતો. બીજી બાજુ
આદિપુરમાં આંકડો લેતા બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ.950 જપ્ત કર્યા હતા. ભચાઉના મણીનગર વિસ્તારમાં આજે બપોરે
અમુક શખ્સો જાહેરમાં ધાણીપાસા ફેંકી પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી
પોલીસે મયુર મનુ કોળી, રફીકશા રહીમશા ફકીર, મનસુખ ધીરજલાલ ડોડિયાને ઝડપી પાડયા હતા જ્યારે નુરશા શેખ નામનો શખ્સ નાસી જવામાં
સફળ રહ્યો હતો. ધાણીપાસા રમતા અને પકડાયેલા ત્રણ શખ્સો પાસેથી રોકડ રૂ.17,100 જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આદિપુરના જી.આઈ.ડી.સી
વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં લોકો પાસેથી
આંકડા લેનાર વૃદ્ધ ધનજી મેપા પ્રજાપતીને પોલીસે પકડી પાડયો હતો. આંકડા લેનારા પાસેથી
આંકડાનું સાહિત્ય તથા રોકડ રૂ.500 જપ્ત
કરવામાં આવ્યા હતા. બીજી કાર્યવાહી આદિપુરના સાતવાળીમાં સાંઈ પ્રોવિઝન સ્ટોર પાસે કરવામાં
આવી હતી. અહીં આંકડો લેનાર ચેતન ગુલરાજ શર્માને પકડી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી
રોકડ રૂ.540 જપ્ત કરાયા
હતા. આ બંને શખ્સો ઉપર કયા મગરમચ્છને આંકડા લખાવતા હતા તે પોલીસ જાણી શકી નહોતી.