• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

અબડાસા તા. પંચાયતના 35.19 કરોડનાં પુરાંતવાળા બજેટને બહાલી

નલિયા, તા. 24 : અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મહાવીરાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરીની  ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરતાં વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્ર તથા આગામી વર્ષ 2026-27ના નવા અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. સભામાં રૂપિયા 35 કરોડ 19 લાખ 40 હજારની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું, જે અંતર્ગત 15માં નાણાપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટના વ્યાજ અને બચતની રકમમાંથી તાલુકાનાં વિવિધ ગામોમાં વિકાસનાં કામો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. બેઠકમાં લોકપ્રશ્નોની ચર્ચા દરમિયાન વાયોર બેઠકના સદસ્ય મહાવીરાસિંહ જાડેજાએ પીવાનાં પાણીનો ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, જગડિયા, ગોયલા, મોખરા, વલસરા, ફુલાય અને વાઘા પદ્ધર ડેમનું પાણી હાલ પીવાલાયક રહ્યું નથી, જેના કારણે ગ્રામજનોનાં આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. તેમણે આ ડેમોમાંથી પાણી પુરવઠો તાત્કાલિક બંધ કરી મીઠી ડેમનું શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી. વાયોર ગામના બસ સ્ટેશન વિસ્તારમાં થયેલાં ગેરકાયદે દબાણો અને ગૌચર જમીન ખુલ્લી કરાવવા અંગે પણ સદસ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તરમાં તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી કે, તલાટી મારફતે દબાણોની તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં જિ. પં. ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્યા ભાવનાબા જાડેજા, તાલુકા પંચાયત ચેરમેન જયદેવાસિંહ જાડેજા, દાદાભા જત, મહાવીરાસિંહ જાડેજા (અકરી), મોકાજી સોઢા, જાફર હિંગોરા અને સંગીતાબેન ગુંસાઈ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન. એ. રાવલ, જે. કે. પરમાર તથા વિસ્તરણ અધિકારી બી. કે. સોઢા સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ અને વિકાસલક્ષી ચર્ચાઓમાં ભાગ લીધો હતો.

Panchang

dd