• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ભુટકિયા નજીક કારે હડફેટમાં લેતાં એકનું મોત : એક ઘવાયો

ગાંધીધામ, તા. 24 : રાપરના ભુટકિયા નજીક કારે હડફેટે લેતાં અશોક ધીરુ મકવાણા નામના યુવાનનું મોત થયું હતું. અન્ય એકને ઇજાઓ પહોંચી હતી તેમજ સામખિયાળી-રાધનપુર માર્ગ પર લાકડિયા નજીક અજાણ્યાં વાહનની ટક્કરે હિરા રાજા કોળી (ઉ.વ. 25)એ જીવ ખોયો હતો તથા ગાંધીધામના કાસેઝમાં સીડી પરથી પટકાતાં ડાયા ગોવિંદ સેનમા (ઉ.વ. 37)નું મોત થયું હતું. ભીમાસરમાં મામાના ઘરે રહેનાર ફરિયાદી સંદીપ સુરા પરમાર (રાજપૂત) અને તેની સાથે ગેરેજમાં કામ કરનાર અશોક મકવાણા ગેરેજનાં કામથી પ્રાગપર ગયા હતા, ત્યાં કામ પતાવી બાઇક નંબર જીજે-12-એસી-0161 લઇને બંને પરત આવી રહ્યા હતા, ત્યારે ભુટકિયાનાં પાટિયાથી આગળ બાઇક બંધ પડી ગયું હતું. દરમ્યાન શેઠ સહદેવ બારીને ફોન કરી પાના, પ્લગ લઇ આવવા જણાવાયું હતું. દરમ્યાન આ બંને યુવાન રોડની બાજુએ ઊભા રહીને બાઇક ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા, દરમ્યાન પાછળથી આવતી કાર નંબર જીજે-08-સીઆર-8226એ આ બંનેને હડફેટમાં લેતાં બંને ફંગોળાયા હતા, જેમાં અશોકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. ઘવાયેલા ફરિયાદીને સારવાર અર્થે લઇ જવાયો હતો. વધુ એક જીવલેણ બનાવ સામખિયાળીથી રાધનપુર ધોરીમાર્ગ ગેઇલ કંપની આગળ લાકડિયાની સીમમાં બન્યો હતો. આડેસરમાં રહેનાર હિરા કોળી અને તેના મામાનો દીકરો હરેશ ભચાઉ ખાતે બાઇક નોંધાવેલ હોવાથી બંને ત્યાં ગયા હતા. તા. 22-12ના રાત્રિના ભાગે બાઇક નંબર જીજે-39-જે-2096 લઇને બંને પરત આવી રહ્યા હતા, તેવામાં પાછળથી અજાણ્યાં વાહને હડફેટમાં લેતા હિરા કોળીને ગંભીર ઇજાઓના પગલે તેણે જીવ ખોયો હતો. આ બનાવમાં ભરત રાજા કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામના કાસેઝમાં ઇનોક્સ કંપનીમાં ગઇકાલે બન્યો હતો. કંપનીમાં સીડી પર ચડી રહેલા ડાયા ગોવિંદ સેનમા નામનો યુવાન પડી જતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Panchang

dd