ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારનો એજન્ડા
આગળ ધપાવ્યો છે અને તેને ભરપૂર સમર્થન મળ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકર મહાસભાના
79મા સત્રમાં ભાગ લેવા અમેરિકામાં છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયા ગુતારેસ
અને નવા અધ્યક્ષ (યુએનજીએ) ફિલેમોન યાંગ સાથે બેઠક કરી. યુનોની 15 સભ્યની સલામતી સમિતિમાં
પાંચ કાયમી સભ્ય છે. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને ચીન પૈકી ચાર રાષ્ટ્ર ભારતને
કાયમી સભ્ય બનાવવાની હિમાયત કરી રહ્યા છે. આ સિવાય જાપાન, જર્મની અને બ્રાઝિલનીય દાવેદારી
છે. ભારત માટે વધતું સમર્થન, વિવિધ સ્તરે વધતી પ્રતિષ્ઠા, પ્રભાવ અને ક્ષમતાને અનુમોદન
સમજી શકાય. વિશ્વ અમેરિકાને મહાસત્તા તરીકે, ઈંગ્લેન્ડ-રશિયાને વિકસિત રાષ્ટ્ર તરીકે
ઓળખતું આવ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં વિકાસશીલ રાષ્ટ્ર બની
રહ્યું. અલબત્ત, 1947થી દેશના વિકાસમાં સૌએ પોતાની ક્ષમતા અને દૃષ્ટિ અનુસાર યોગદાન
આપ્યું છે. દાયકાઓના પરિશ્રમ, પ્રજાના પુરુષાર્થ અને વર્તમાન શાસકોની વિકાસલક્ષી દૃષ્ટિનાં
પરિણામે આજે હવે ચિત્ર બદલાયું છે. યુનોની મહાસભામાં એક મહત્ત્વનો બદલાવ એ જોવા મળ્યો
કે, પાકિસ્તાનનાં મિત્ર મનાતાં તુર્કીએ કાશ્મીરનો કોઇ ઉલ્લેખ જ ન કર્યો. પાકિસ્તાની
વડાપ્રધાન શાહબાઝ શરીફ કાશ્મીરનો બેસૂરો રાગ આલાપવાની ગુલાંટ ન ભૂલે એ સમજી શકાય. તુર્કીના
રાષ્ટ્રપતિ રજબ તૈયબ હંમેશાં કાશ્મીરનો મુદ્દો ઉખેડતા, પણ આ વખતે તેમનું મૌન પાકિસ્તાન
અને ચીન માટે ફટકા સમાન છે. ભારતના પ્રભાવનું કારણ પણ સમજી શકાય. યુએનએસસીમાં કાયમી
સભ્યપદની વાત કરીએ તો અમેરિકા અને ફ્રાંસ ભારતના જુદા ટેકેદાર છે. એમની સાથે બ્રિટનના
વડાપ્રધાન કીર સ્ટારમરે પણ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો. તેમણે કહ્યું કે, બ્રાઝિલ,
આફ્રિકા, જાપાન, ભારત પરિષદનાં સ્થાયી સદસ્ય હોય તેવું અમે જોવા માગીએ છીએ. સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વૈશ્વિક પડકારોનો સામનો અસરકારક રીતે થઇ શકે એવું મજબૂત પ્રતિનિધિત્વ
હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ચીન, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, યુ.કે. સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદના મૂળ પ્રસ્તાવ પર વિટો પાવર રાખે છે. અમેરિકા અને ફ્રાન્સ પછી હવે ઈંગ્લેન્ડ
પણ એવું માને છે કે, ભારતને જો સ્થાયી સદસ્યપદ આપવામાં આવે તો પરિષદની અસરકારતા વધશે.
વિશ્વના વિવિધ પ્રવાહો સાથે ભારત હંમેશાં તાલ મેળવતું આવ્યું છે. ટેકનોલોજી, અવકાશવિજ્ઞાનથી
લઈને તમામ ક્ષેત્રે તે હવે નોંધપાત્ર રીતે આગળ છે. ભારતે પોતે પણ એવું કહ્યું છે કે,
તેના ભૂ-રાજનૈતિક પ્રભાવ અને વિશ્વશાંતિ માટેના સાતત્યપૂર્ણ પ્રયાસને ધ્યાને રાખવામાં
આવે, તો હવે અમને સ્થાયી સદસ્યતા મળવી જોઈએ.ભારતની આ વાતને માન્યતા ક્યારે મળશે તે
નક્કી નહોતું. અગાઉ 2021-2022 સુધી ભારતે અસ્થાયી સદસ્યનાં રૂપમાં કામ કર્યું હતું.
ભૂ-રાજનૈતિક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરનારા સુધારાની હિમાયત કરવાનું પણ જારી રાખ્યું
હતું. હવે ફ્રાન્સ, યુએસએ અને યુકેએ પણ આ સ્થાયી સદસ્યતાને સમર્થન આપ્યું છે, તેથી
લાંબા સમયથી જે લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, તે દિશામાં આ મહત્ત્વનું પગલું ભરાયું
છે. યુએનએસસીમાં સુધારાનું આહ્વાન વૈશ્વિક ગતિશીલતા માટેનું માધ્યમ કે પ્રતિનિધિત્વ
છે. હવે ભારત પણ તેનો હિસ્સો બને તેવા સંજોગ વધારે ઊજળા બન્યા છે.