વાક્બારસના પાવન દિવસે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ સત્તારૂઢ
થઈ ગયું છે. બે દિવસ ચાલેલી રાજકીય ગતિવિધિના અંતે શુક્રવારે સવારે શપથવિધિ સમારોહ
સંપન્ન થયો છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અનુસાર તમામ વિસ્તાર, તમામ જ્ઞાતિનાં સમીકરણોને તદ્દન ત્રાજવે તોળીને
મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. એકાદ શહેર કે વિસ્તારના કોઈ ધારાસભ્યને કદાચ ક્યાંક
ખટકો હોય તો આવડી મોટી વ્યવસ્થામાં તે નગણ્ય છે, તેને બાદ કરતાં
પ્રધાનમંડળ સંતુલિત છે તેવું કહી શકાય. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોની સંખ્યા
મંત્રીમંડળમાં ઘટી છે અને સૌરાષ્ટ્રનું મહત્ત્વ - સંખ્યા વધી છે. લાગે છે કે જે મુદ્દા
ભૂતકાળમાં ઊઠયા હતા, તેને પક્ષે ધ્યાને લીધા છે અને વર્તમાન સ્થિતિ
શું છે તેની પણ પૂર્ણ પરખ કરી છે. 2022ના અંતિમ માસમાં 156 બેઠકની ધીંગી બહુમતી સાથે સત્તામાં આવેલી ભાજપ સરકાર સામે કેટલીક
દુર્ઘટનાઓના પડકાર આવ્યા, બચુ ખાવડ જેવા
મંત્રીઓનાં પ્રકરણોએ સરકારને જવાહદેહી ભૂમિકામાં મૂકી, તેની વચ્ચે
પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના સાથીઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું. કેટલાક
મંત્રીઓ શિથિલ રહ્યા એવી ફરિયાદો ઊઠી તો ક્યાંક ચૂંટાયેલી પાંખ ઉપર અધિકારી વર્ગ હાવી
થતો હોવાની, ક્યાંક કોઈ ટેન્ડરમાં રસ લેતા હોવાનું ચર્ચાયું.
મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે વાત તો લાંબા સમયથી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના
સમયમાં આ પ્રક્રિયા થઈ જવાની હતી. આજે જે થયું તેને વિસ્તરણને બદલે નવસંસ્કરણ પણ કહી
શકાય, કેમ કે છ મંત્રી રિપિટ કરાયા છે, 19 નવા ચહેરા ભૂપેન્દ્રભાઈની સાથે
જોડાયા છે. ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ,નવી નિમણૂકોમાં મોટાભાગના 50-55 વર્ષના વયજૂથના છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખૂદ 40 વર્ષના છે. એ રીતે રીવાબા જાડેજા
સૌથી નાની વયના (34) મંત્રી બન્યાં
છે.ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રી છે.
ગૃહમંત્રી તરીકે કાર્યરત રહેલા હર્ષ સંઘવીને
ધારણા મુજબ પદોન્નત કરીને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં
આવેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાનો સમાવેશ આખરે કેબિનેટમાં થઈ ગયો છે. તેની સામે
મૂળ કોંગ્રેસી એવા રાઘવજી પટેલ હવે પ્રધાન નથી રહ્યા. જો કે, તેવું કુંવરજી બાવળિયાના કિસ્સામાં બન્યું નથી.
તેમને તેમની જ્ઞાતિનું કારણ મદદ કરી ગયું છે. નવા પ્રધાનોનાં નામ જાહેર થયાં ત્યારથી
સૌથી ચર્ચા એક જ વાતની છે કે જેમની પીઠ ગૃહમંત્રી અમિત શાહે થાબડી હતી, તેવા જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયાને પ્રધાનમંડળમાં સમાવાયા નથી, વાત તો એવી હતી કે તેમને ગૃહમંત્રી બનાવવામાં આવશે. ગુજરાતનું મંત્રીમંડળ દક્ષિણ ગુજરાતથી અસરગ્રસ્ત
છે તેવી છાપ આ વખતે ભૂંસાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર - કચ્છના કુલ નવ ધારાસભ્ય હવે લાલ લાઈટવાળી
મોટરકારમાં ફરશે. તેમને મંત્રીપદ અપાયાં છે. ઉત્તર ગુજરાતમાંથી ચાર ચહેરા, દક્ષિણ ગુજરાતમાંથી છ અને મધ્ય ગુજરાતમાંથી સાત ધારાસભ્ય મંત્રી બન્યા છે.
સૌરાષ્ટ્ર - કચ્છમાં આ અંગે થોડો કચવાટ હતો, તે ઉપરાંત આમ આદમી
પાર્ટી આ વિસ્તારમાં થોડું કાઠું કાઢી રહી છે તે પણ કારણ હોઈ શકે. નવાં પ્રધાનમંડળમાં
પાટીદાર સમાજમાંથી સાત, ઓબીસી વર્ગમાંથી આઠ, અનુસૂચિત જાતિમાંથી ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી ચાર ધારાસભ્યને સમાવાયા
છે. આ બધામાં ત્રણ મહિલા છે. જો કે, ભૂપેન્દ્રભાઈની કેબિનેટમાં
એકપણ મહિલા નથી. બીજીતરફ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મૂળુભાઈ
બેરાનું મંત્રીપદ પણ હવે રહ્યું નથી, જેની પાછળ વિવિધ કારણ ચર્ચાઈ
રહ્યાં છે. જામનગરનાં રિવાબા રવીન્દ્ર જાડેજા અને અંજારના ત્રિકમ છાંગા સહિત 12 ધારાસભ્ય એવા છે, જેમની પ્રથમ ટર્મ છે અને તેમને પ્રધાનપદું મળ્યું
છે. ભાજપના સમર્થકો અને કાર્યકર્તાઓ એકવાતે રાજી છે કે હાર્દિક પટેલને પ્રધાનમંડળમાં
સમાવાયા નથી. બચુ ખાવડના પુત્રો ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો, ત્યારે જ તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની જરૂર હતી. જો કે, મોડે મોડે ભાજપે તેમને મંત્રીમંડળથી અળગા કરી ભૂલ સુધારી લીધી છે. નજીકનાં
ભવિષ્યમાં ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે. બે વર્ષ પછી વિધાનસભાની પણ ચૂંટણી છે.
શાસનવિરોધી મતની માનસિકતા અને સ્થિતિ ઊભી થાય તે પૂર્વે ભાજપે નવી જ ટીમ ગુજરાતમાં
મૂકી દીધી છે. ભાજપનાં શીર્ષ નેતૃત્વે મંત્રીમંડળની રચનામાં તમામ રીતે સંતુલન જાળવવાની
કોશિશ કરી છે. હવે અગત્યનું તો એ છે કે અગાઉનાં મંત્રીમંડળ સમયની જે ક્ષતિઓ રહી હોય
તે અટકે, તેનું પુનરાવર્તન ન થાય. લોકોમાં રસ્તા, હાઈ - વેથી લઈને અન્ય જે જે ફરિયાદો કે અસંતોષ હોય તે શક્ય તેટલો જલદી શમે
તો આ પરિવર્તન સાર્થક થશે. આ બદલાવની ટીકા કે તેના ઉપર વિશ્લેષણ એવાં પણ થઈ રહ્યાં
છે કે 156 બેઠક સાથે પ્રજાએ જે લોકો ઉપર
વિશ્વાસ મૂક્યો હતો, જેને પાર્ટીએ
જ પસંદ કર્યા હતા તે પ્રધાનોમાં આવું પરિવર્તન શા માટે, પરંતુ
આ તો કોઈપણ સરકાર કે પક્ષનો સંવૈધાનિક અધિકાર છે. બધાને પરફોર્મ કરવાની તક મળે તેવો
પણ એક આશય આની પાછળ હોઈ શકે. એકંદરે, નવી ટીમ પાસે કેન્દ્રીય
નેતૃત્વ અને રાજ્યની જનતાને અસરકારક કામગીરીની અપેક્ષા છે. હર્ષ સંઘવીનું કદ ગુજરાતમાં
વધુ મોટું થયું, એમાં ભાવિ સૂચિતાર્થ છે ?