ગાંધીધામ/ભુજ, તા. 21 : દિવાળીની
રાતે ફટાકડા થકી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં નાના-મોટા આગના વિવિધ બનાવો થકી રાતભર
અગ્નિશમન દળોના ફોન રણકતા રહ્યા હતા અને ફાયર ફાઇટરોએ ઘટનાં સ્થળે ધસી જઈ આગ પર
કાબૂ મેળવ્યો હતો.
ગાંધીધામ સંકુલમાં નવ સ્થળે આગ
ગાંધીધામ સંકુલમાં દીપાવલીની આખી
રાત મહાનગરપાલિકાનું અગ્નિશમન દળ દોડતું રહ્યું હતું. અલગ-અલગ વિસ્તારોમાં નવ
જગ્યા ઉપર ફટાકડાઓને કારણે આગ લાગી હતી અને મનપાના ફાયર વિભાગ દ્વારા આગને
બુઝાવવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ
આદિપુરમાં લગભગ રાત્રિના 9.45 વાગ્યાના અરસામાં આગ લાગ્યાનો
પ્રથમ કોલ મનપાને મળ્યો હતો. ફાયર વિભાગ
તુરંત સ્થળ ઉપર પહોંચીને બાવળની ઝાડીઓમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ત્યારબાદ જૂની કોર્ટ પાસે શોરૂમની પાછળના ભાગે આગ લાગી હતી. 11.15 વાગ્યાના
અરસામાં કિડાણા ચાર રસ્તા, મધરાતે 12 વાગ્યે ઓસ્લો સિનેમા પાછળ, ત્યારબાદ સિંધુ બાગ
વિસ્તારમાં આવેલી કેબિનમાં રાત્રિના 1.10 વાગ્યાના અરસામાં આગ લાગી હતી.
ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચીને સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં આદિપુર 64 બજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં
આગ લાગી હતી. વહેલી સવારે લગભગ સવા ચાર વાગ્યાના અરસામાં મૈત્રી સ્કૂલની પાછળના
ભાગે બાવળમાં આગ લાગી હતી અને સવારે 5.10 વાગ્યાના ગાંધીધામના 9-બી
વિસ્તારમાં આવેલી એમ્પાયર હોટેલની સામે બાવળની ઝાડીઓમાં આગ લાગી હતી. તંત્રએ આગ
ઉપર કાબૂ મેળવ્યો હતો.
ભચાઉમાં આતશબાજીથી 13 સ્થળે
આગ
દિવાળીનાં પર્વ પ્રસંગે સાંજથી
મોડી રાત સુધી ભચાઉ અગ્નિશમન દળની ટીમને
આગના 13 ફોન આવ્યા હતા. આ ટીમે તમામ જગ્યાએ દોડી જઇને આગને કાબૂમાં
લીધી હતી. એક જગ્યાએ આગને શાંત પાડી 20 જેટલી
દુકાનોને સળગતી બચાવી લેવામાં હતી. ફૂલવાડી વિસ્તારમાં ચાર, જૂની મામલતદાર કચેરી
બાજુ, કેનેરા બેન્ક પાસે, નર્મદા નિગમ
કચેરી બહાર વગેરે જગ્યાએ આગના બનાવ બન્યા હતા.
ભુજ આસપાસ 12 જગ્યાએ
આગ
ગઇકાલે દિવાળીના સપરમા દિને રાત્રે ફટાકડાની આતશબાજીના
લીધે ભુજ અને આસપાસના વિસ્તારના
નાના-મોટા ઝાડી-ઝાંખરામાં સળગવાના રાતના એક વાગ્યા સુધી 15 જેટલા
ફોન ભુજ ફાયર વિભાગને આવતાં અગ્નિશમન દળની ટીમ સતત દોડતી રહી હતી અને આગવાળી જગ્યાએ જઇને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
હોવાનું ભુજ નગરપાલિકા ફાયરબ્રિગેડે
જણાવ્યું હતું.
માંડવીની દુકાનમાં આગ
માંડવીના પ્રો. કે.ટી. શાહ રોડ
પર દિવાળીના સપરમા દિને રાત્રે 12.30 વાગ્યે દિલીપસિંહ રાઠોડની `ફેશનબેગ' દુકાનમાં પ્રથમ દૃષ્ટિએ
ફટાકડાનાં કારણે આગ લાગતાં આજુબાજુની દુકાન ધરાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને આ આગનો
બનાવ નજરે ચડતાં પી.આઇ. સી. વાય. બારોટ અને તેમની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર
આવી પહોંચી હતી. નગર સેવા સદનના ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી અને અન્ય દુકાનોને આગથી
નુકસાન થતું બચાવવામાં આવ્યું હતું.