• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

કચ્છ ખાસ છે; દિવાળી ખાસંખાસ...

શકન... શકન... કચ્છના પાટનગર ભુજમાં વહેલી પરોઢે પાંચેક વાગ્યાના અરસામાં સાઈકલ કે દ્વિચક્રી વાહનમાં શેરીએ શેરીએ ફરનારી વ્યક્તિ... ઉપરના શબ્દો બોલતી હોય... વહેલા જાગી ગયેલા ઘરમાંથી કોઇ બહાર આવે... નાની વાટકીમાં મીઠું લે અને દસ-વીસ રૂપિયા શુભ ભાવથી આપે... યુવાપેઢી કે શહેરી કલ્ચરવાળું કોઇ કહી ઊઠે... વ્હોટ ઇઝ ધીસ... વાય હી ઇઝ ડિસ્ટર્બિંગ સો અર્લી... એમને જવાબ આપવો પડે કે, આ દિવાળી પર્વની ઉજવણીની રીત છે... પરંપરા છે. એવી માન્યતા છે કે, આ શકનવાળું મીઠું આખું વર્ષ શુભ ફળ આપે... ઘરની ઉન્નતિ કરે... એક જમાનામાં (ભૂકંપ પહેલાં) જૂનું-ગીચ-ભીડભાડવાળું ભુજ હતું, ત્યારે ઘરેઘર શકન લેવાતું... હવે બહુ ઓછા લોકો રહી ગયા છે. છતાં રાહતની વાત એ છે કે, આ પરંપરા હજુએ જીવંત છે... કેટલો સમય રહેશે એનું કોઇ ભવિષ્યકથન થઇ શકે નહીં... ગોડ નોઝ... દીપોત્સવી તહેવાર નિમિત્તે અહીં થોડી અનોખી પરંપરાની વાત કરવી છે. કચ્છ પ્રદેશ તરીકે ખાસ છે, તો અહીંના તહેવારો, ઉજવણી, પરંપરા, તેને પ્રતિસાદ બધું ખાસંખાસ છે. ગુજરાતના બીજા જિલ્લાની તુલનાએ કચ્છ અનેક રીતે જુદું પડે છે. સીમાવર્તી દુર્ગમ વિસ્તાર... પચાસ-સો કિલોમીટર સુધી કંઇ ન મળે એવી ભેંકાર ભોમકા... વરસાદના અભાવને લીધે ધૂળિયા બની ગયેલા સૂકા ઝાડ... સરહદી વિસ્તારમાં ફોજી વાહનોની અવર-જવર... બપોરે બાવળની ગીચ ઝાડી વચ્ચે બચી ગયેલાં ભોથાં ખાવાં કે પીળી ફડી ખાવા મથતા ઘેટાં-બકરાં કે પશુધન... એક સમયે કચ્છની આ તસવીર હતી, કાયમી દૃશ્ય... પણ હવે તેમાં સમૂળગો બદલાવ આવ્યો છે. ખાવડા-ખડીર તરફનાં રણની નિર્જનતા, સૌર ઊર્જા અને પવન ઊર્જાના મહાકાય યંત્રો-સાધનોને લીધે દૂર થઇ ચૂકી છે. સ્થાનિક કચ્છી માડુએ બદલવા લાગ્યો છે. બન્ની-પચ્છમમાં એક સમયે દ્વિચક્રી માંડ જોવા મળતું... આજે પ્રવાસન વિકાસ અને હસ્તકળાનાં ઉત્થાન પછી બન્નીના જુવાનિયાઓમાં એક રૂઆબ જોવા મળે છે. તેમને જાણ થઇ ચૂકી છે કે, બદલાતી મોડર્ન દુનિયામાં બન્ની, તેનું સફેદ રણ, હસ્તકળા એ બધી વિશિષ્ટતાની કિંમત મોટી છે. વળી વરસાદે સારો થવા લાગ્યો છે એ કચ્છ માટે સોહામણું છોગું છે. આમ, કચ્છના દુ:ખ, પ્રશ્નો જરૂર ઓછા થયા છે. ચિંતાની વાત એ છે કે, પરિવર્તનના દોરમાં કચ્છની આગવી પરંપરા ઇતિહાસ બની જવાનો ભય સેવાઇ રહ્યો છે. કચ્છની દિવાળી તેની વિશિષ્ટ પ્રકારની ઉજવણીને લીધે સ્પેશિયલ છે. વહેલી પરોઢે ભુજના હાટકેશ્વર મંદિર અને પછી બીજા મંદિરોમાં મંગળા આરતી થાય. પરોઢે 5.30 કલાકે હમીરસરનો કાંઠો ઘંટારવ અને નોબતના તાલથી ગાજી ઊઠે છે. જૂના જમાનામાં ગામડાંમાં વથાણ કે ગામના ચોરાએ દેશી ગ્રામીણ રમતો રમાતી. કચ્છના ખેતરોમાંય દિવાળીનું શુભ ઓજસ પ્રસરે છે. ધરતીમાતાની પૂજા થાય છે. ધનતેરસે ગાય-બળદના શિંગ રંગવામાં આવે છે. ભૂંગા કે ઘરોની દીવાલોમાં નવું લીંપણ અને ઉપર રંગીન ભાત ઉપસાવતાં શુભ પ્રતીકો-ચિત્રો દોરવામાં આવે છે. દિવાળીની રજાઓમાં કચ્છના રસ્તા, હરવાં-ફરવાનાં સ્થળો, પ્રવાસનધામો હાઉસફૂલ થઇ જાય છે. જૂના જમાનામાં તહેવારો પરિવાર સાથે, ઘરમાં જ મનાવાતા... આજની પેઢી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ પેકેજ લઇને બહાર નીકળી પડે છે. તેમને મન તહેવારો એટલે હોલી-ડે... હકીકતમાં તહેવાર ઘરમાં જ ઊજવવા જોઇએ. તેમાંય વર્ષના આખરમાં આવતું દીપોત્સવી પર્વ તો તહેવારોનો રાજા છે. આ એકમાત્ર એવો તહેવાર છે જે માત્ર ને માત્ર આનંદ આપે છે. નવા વત્રો, જૂતાંએ નવાં, ગિફ્ટ, ભેટ-સોગાદની આપ-લે, મીઠાઇ, ફરસાણ, નવા ટ્રેન્ડ પ્રમાણે હોટેલ્સમાં પાર્ટી, મિત્રો સાથે સહેલગાહ બધું દિવાળીમાં જ શક્ય બને છે. વળી આ સળંગ એક અઠવાડિયું લાંબો ઉત્સવ છે અને વિજયાદશમી પતે એટલે દિવાળીની ફ્લેવર શરૂ થઇ જાય છે. લોકો રાચરચીલું, ટી.વી., ફ્રીઝ જેવી ઇલેક્ટ્રોનિક ચીજો, મોબાઇલ, મોટર કાર કે દ્વિચક્રીની ખરીદીએ દિવાળીના દિવસોમાં કરવાનું પસંદ કરે છે. થોડી પોઝિટિવ વાત જોઈએ તો મહાપર્વ દિવાળી અને બેસતાં વર્ષે દેવદર્શન અને વડીલોને પગે લાગવા જવાની અદકેરી રસમ હતી અને તે જળવાઈ પણ છે. એક જમાનો હતો કે, વડીલોને પાયવંદન કરી શ્રીફળ અપાતું. વડીલો વહાલથી ધબો મારી મીઠા આશીર્વાદ આપતા. સાકર અને મીઠાઈ ઉપાડી મોંમાં નાખતા... એ વખતે મોંની મીઠાસ સાથે વહાલની મધુરતા અનુભવવી એ દિગ્ગજ દિવાળીની મજા બની રહેતી. વડીલ રૂપિયા - બે રૂપિયાનો સિક્કો હાથમાં આપે ત્યારે ચહેરો મલકાઈ ઊઠતો.  લવિંગિયા, ભંભુ, ભીતભડાકાથી સંતોષ માનતો બાળરાજા કે જુવાનિયો હવે અવનવી આતશબાજીનો આનંદ ઉઠાવે છે. આખું આકાશ ભરીને ફટાકડા ફોડી ઊરના આનંદનું ફલક વિસ્તારે છે. નૂતન વર્ષ પ્રારંભે શ્રીકૃષ્ણ મંદિરે ભરાતા અન્નકૂટનો મહિમાએ હજુ જળવાયો છે. દીપાવલીના બે પરિદૃશ્ય કચ્છમાં સમાંતરે જોવાનો અત્યારે સમય છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોની પરંપરાગત દિવાળી-બેસતું વર્ષ અને બીજી તરફ કોર્પોરેટ કલ્ચરની ચકાચોંધ કરતો પર્વોત્સવ. ઉષ્માભર્યા રામ-રામ અને સાલમુબારકની જગ્યાએ ડિજિટલ એરાએ સ્થાન જમાવ્યું છે. ડિજિટલ શુભેચ્છાઓનો વરસાદ થાય છે અને રૂબરૂ હળવા-મળવાનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે. એ પણ નૂતન નવાચાર નહીં તો બીજું શું ? એક પરિબળ સચવાયું છે તે માનવસેવા અને જીવદયા ક્ષેત્રે દાન ! સપરમા તહેવારમાં કચ્છી માડુ હજીયે તે પ્રણાલી સાચવી જાણે છે. દાન-પુણ્યનો મહિમા આ પંચોત્સવમાં વિશેષ છે. મૂંગા પશુઓની સંભાળ લેતી પાંજરાપોળ સહિતની સંસ્થાઓ અને માનવસેવા ક્ષેત્રે પ્રવૃત્ત સંસ્થાને ડોનેશન આપવાનું લોકો ચૂકતા નથી. શુભ દિવાળી ! હેપી ન્યૂ યર !  

Panchang

dd