• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

સીઆઇએફએસના જવાને આદિપુરમાં ઝાડમાં ફાંસો ખાધો

ગાંધીધામ/ભુજ, તા. 21 : આદિપુરની સિનિયર સિટીઝન સોસાયટી પાછળ રેલવે પાટાની બાજુમાં સી.આઇ.એફ.એસ.ના દશરથ એકનાથ અદારીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, જ્યારે ભુજ તાલુકાનાં ત્રંબૌના 46 વર્ષીય યુવાન રમેશભાઇ બિજલભાઇ કોલીએ દવા પીને પોતાનું આયખું ટૂંકાવી લીધું હતું. ગઇકાલે મિરજાપરનાં સહજાનંદ નગર પાસે 35 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું.

આદિપુરની સિનિયર સિટીઝન સોસાયટી પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં ઝાડમાં ગત તા. 19/10ના સાંજે 5.30ના અરસામાં એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ 35થી 40 વર્ષીય યુવાને બ્લૂ રંગનું ટીશર્ટ અને ગ્રે રંગનો ચડ્ડો પહેર્યો હતો. પોલીસે અજાણ્યા યુવાન અંગે નોંધ કરી તેની ઓળખ માટે શોધખોળ કરી હતી. બાદમાં આ યુવાન સી.આઇ.એફ.એસ.નો જવાન હોવાનું તથા તેનું નામ દશરથ અદારી તે મૂળ મહારાષ્ટ્રનો હોવાનું બહાર આવ્યું હતું. આ જવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ભુજ તાલુકાનાં ત્રંબૌ ગામે રહેતા રમેશભાઇ કોલીએ સરસપરની વાડીમાં કોઇ અગમ્ય કારણોસર દવા પી લેતાં બેભાન અવસ્થામાં સારવાર અર્થે તેના કાકા રમજુભાઇ તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઇ હતી.

બીજીતરફ ગઇકાલે સાંજે મિરજાપરનાં સહજાનંદ નગરના ભારત પેટ્રોલિયમની બાજુમાં આશરે પાંત્રિસેક વર્ષનો અજાણ્યો પુરુષ બેહોશ હાલતમાં પડયો હતો. આથી 108 એમ્બ્યુલન્સ મારફત તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા પુરુષની ઓળખ શોધવા છાનબીન આદરી છે.

Panchang

dd