• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

ટપ્પરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી આધેડની હત્યા

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાનાં ટપ્પર ગામના વાડી વિસ્તારમાં કોઇ મુદ્દે ડખો, ઝઘડો થતાં મૂળ ધાડધ્રોના કરશન હરજી કોળી (ઉ.વ.50) નામના આધેડ ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમનું ઢીમ ઢાળી લાશને રાપરનાં ત્રંબૌ ગામમાં ફેંકી દેવામાં આવી હતી. રાપર તાલુકાનાં ધાડધ્રોમાં રહેનારા કરશન હરજી કોળી નામના આધેડ છેલ્લા બે વર્ષથી ટપ્પર ગામના વાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં ખેતમજૂરી કરે છે. તેમના કુટુંબીઓ પણ આસપાસની વાડીઓમાં કામ કરે છે. ગઇકાલે દિવાળીની રાત્રે કોઇ કારણોસર તેમના કુટુંબીઓ સાથે તેમનો ઝઘડો, માથાકૂટ થઇ હતી, જેમાં તેમના કુટુંબી એવા રામજી વેલા કોળી વગેરે શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને બોથડ પદાર્થ વડે આ આધેડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં આ આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોતાના કુટુંબીને પતાવી નાખ્યા બાદ અમુક લોકોએ લાશને કોઇ વાહનમાં નાખીને રાપરનાં ત્રંબૌ ગામમાં પાંજરાપોળ પાસે લઇ ગયા હતા અને ત્યાં લાશને ફેંકી ત્યાંથી નાસી ગયા હતા. આજે સવારે કરશન કોળી મૃત હાલતમાં મળી આવતા સગા સંબંધીઓએ તેમને રાપર હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને તેમની બોથડ પદાર્થના ઘા મારવાથી હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિવાળીની રાત્રે હત્યાના આ બનાવથી પોલીસમાં પણ ભારે દોડધામ થઇ પડી હતી. રાપર ખાતે પી. એમ. કરાવવા સહિતની તપાસ હાથ ધરાઇ હોવાનું દુધઇ પી.આઇ. આર.આર. વસાવાએ જણાવ્યું હતું. પ્રકરણમાં એકાદને રાઉન્ડઅપ પણ કરી લેવાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd