• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

`અશાંત વિશ્વમાં ભારત સ્થિરતાનું પ્રતીક'

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઇ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિવાળી પ્રસંગે દેશવાસીઓને પત્ર મારફતે સંબોધતાં ઓપરેશન સિંદૂરની સફળતાઓ અને નક્સલવાદ સામેની લડાઇનો ખાસ ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે વિવિધ કટોકટીથી ઘેરાયેલું છે, ત્યારે ભારત સ્થિરતાના પ્રતીક તરીકે ઊભરી આવ્યું છે. વડાપ્રધાને તેમની સરકારની ઐતિહાસિક સિદ્ધિમાં જીએસટી દર ઘટાડવાના નિર્ણયને ગણાવ્યો હતો અને જણાવ્યું કે, જીએસટી બચત ઉત્સવ દરમ્યાન નાગરિકો હજારો કરોડ રૂપિયા બચાવી   રહ્યા છે. તેમણે નાગરિકોને સ્વદેશી અપનાવી `એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રોત્સાહન આપવા, બધી ભાષાનો આદર કરવા, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને યોગને અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આ બધા જ પ્રયાસો આપણને ઝડપભેર વિકસિત ભારત તરફ લઇ જશે એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર એવા દીપાવલીના તહેવારના શુભ અવસરે હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. અયોધ્યામાં રામમંદિરના ભવ્ય નિર્માણ પછીની આ બીજી દીપાવલી છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું. ભગવાન શ્રીરામ આપણને ન્યાયીપણાનું સમર્થન કરવાનું શીખવે છે અને અન્યાય સામે લડવાની હિંમત આપે છે. આપણે થોડા મહિના પહેલાં ઓપરેશન સિંદૂર દરમ્યાન આનું જીવંત ઉદાહરણ જોયું છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતે ન માત્ર ન્યાયીપણાને સમર્થન આપ્યું, બલ્કે અન્યાયનો બદલો પણ લીધો હતો, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

Panchang

dd