• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ઘેરાયેલા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરાવિંદ કેજરીવાલની તકલીફો સતત વધી રહી છે. શરાબ ગોટાળાના આરોપોમાં બંધ કેજરીવાલની મુક્તિ વધુને વધુ મુશ્કેલ બની રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી (આપ) અને તેમના નેતા કાર્યવાહીને રાજકારણ પ્રેરિત ગણાવીને કેન્દ્ર સરકાર સામે મોરચો ચલાવી રહ્યા છે ત્યારે કેજરીવાલની સામે સીબીઆઇની કાર્યવાહી અને તેને અદાલતની બહાલી કેસની ગંભીરતા છતી કરે છે. સીબીઆઇએ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરીને અદાલત સમક્ષ એવી રજૂઆત કરી છે કે દિલ્હીની શરાબને લગતી આબકારી નીતિ બનાવવામાં દક્ષિણ ભારતનું એક ઉદ્યોગ જૂથ સામેલ હતું અને તેના તાર આપના સુપ્રીમો સાથે જોડાયેલા હતા. સીબીઆઇએ અદાલતને એમ કહીને કેજરીવાલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે કે પ્રકરણમાં મોટા કાવતરાંના મૂળ સુધી જવા માટે તેમની પુરાવાને સાથે રાખીને પૂછપરછ કરવી જરૂરી છે. આમ તો અદાલતે તમામ તથ્યોને ધ્યાને લીધા છે, પણ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)ની કસ્ટડીમાંથી જામીન મળે એવા સંજોગો ઊભા થઇ રહ્યા હતા તેવા સમયે સીબીઆઇની કાર્યવાહી સામે આપે સવાલ ઊભા કર્યા છે. તેને રાજકીય કારસો ગણાવીને આપના નેતાઓ વધુ એક વખત દિલ્હીમાં દેખાવો કરી ચૂક્યા છે. આમ તો દિલ્હીનું શરાબ કૌભાંડ હજી ઘણા રહસ્ય હેઠળ દબાયેલું છે. આપના સંખ્યાબંધ નેતા તપાસની કાર્યવાહીમાં આવી ગયા છે. ઉપમુખ્યમંત્રી રહેલા મનીષ સિસોદિયા લાંબા સમયથી જેલમાં છે. તો સંજયાસિંહ જામીન પર છૂટી શક્યા છે. કેજરીવાલની ધરપકડને ગેરકાયદે ઠેરવવાનો દાવો અદાલત સમક્ષ છે. હવે સીબીઆઇની કાર્યવાહીએ તેમની તકલીફો વધારી છે. મહત્ત્વની બાબત છે કે, કેજરીવાલે હજી સુધી મુખ્યમંત્રી પદ છોડ્યું નથી. કોઇ વ્યક્તિ કોઇ આરોપ તળે જેલમાં જાય તો તેણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડે એવી કોઇ કાયદાકીય જોગવાઇ નથી. હકીકતને આગળ ધરીને કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી, પણ નૈતિકતા અને પ્રામાણિકતાના દાવા કરતા આપે આવામાં કાયદાકીય બચાવને બદલે લોકલાગણી અને નૈતિક્તાને માન આપવાની જરૂરત હોવાનું સામાન્ય લોકો માનવા લાગ્યા છે. કેજરીવાલને જો કે સર્વોચ્ચ અદાલતે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા, પણ મતદાનની બાદ તેમને ફરી જેલ જવું પડયું હતું. અદાલતે તેમની નિયમિત જામીન અરજી ધ્યાને લીધી હતી. હવે સીબીઆઇની કાર્યવાહીને પણ અદાલતની બહાલી મળી રહી છે તે જોતાં આપના સુપ્રીમોની તકલીફોનો તત્કાળ અંત આવે તેમ જણાતું નથી. જો કે, તપાસનીશ એજન્સીઓએ ચકચારી પ્રકરણમાં વહેલામાં વહેલી તકે નક્કર સત્ય શોધી કાઢીને દેશની સમક્ષ રજૂ કરવાની તાતી જરૂરત છે. માટે આપ અને કેજરીવાલ પૂર્ણ સહયોગ આપે એવી અપેક્ષા દેશને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang