મેરઠ, તા. 22 : રાજધાની દિલ્હીમાં દુનિયાની
સૌથી મોટી એઆઇ સમિટમાં શર્ટ ઉતારીને પ્રદર્શન કરનાર કોંગ્રેસના યુવા કાર્યકરો સામે
ભારે નારાજગી વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ
કહ્યું હતું કે, કોંગ્રેસને કપડાં ઉતારવાની
જરૂર જ નથી. ભારતમાં દુનિયાના સૌથી મોટાં એઆઇ સંમેલનનું આયોજન થયું. આખો દેશ ગર્વથી
છલકાયો, પરંતુ કોંગ્રેસે વૈશ્વિકસ્તરનાં આ આયોજનને ગંદી રાજનીતિનો
અખાડો બનાવી દીધું તેવા પ્રહારો વડાપ્રધાને કર્યા હતા. વડાપ્રધાને દિલ્હીથી મેરઠ વચ્ચે
નમો ભારત ટ્રેન તેમજ મેરઠની મેટ્રો ટ્રેનોને લીલીઝંડી આપી હતી. સાથોસાથ પ્રદેશને 12930 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ
યોજનાઓની સોગાદ પણ મોદીએ આપી હતી. કેટલાક રાજકીય પક્ષો છે, જે આપણા પોતાના જ દેશની સફળતાને પચાવી નથી શકતા. સમારોહનાં સ્થળ પર વિદેશી મહેમાનો સામે
કોંગ્રેસના નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસવાળાઓને પૂછવા માગું છું કે,
દેશ જાણે છે કે, આપ પહેલાંથી `ઉઘાડા'
છો તો કપડાં ઉતારવાની જરૂર કેમ પડી, તેવા પ્રહારો
મોદીએ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ
એઆઇ સમિટનાં વિશ્વકક્ષાનાં આયોજનમાં જે કંઇ કર્યું તે બતાવે છે કે, દેશનો સૌથી જૂનો પક્ષ વૈચારિક રૂપે કેટલો દેવાળિયો, દરિદ્ર
થઇ ગયો છે. જો આપને વડાપ્રધાનની ખુરશી પર બેસવું છે, તો આવાં
નાટક નહીં ચાલે. પહેલાં આપે લોકોનાં દિલ જીતવાં પડશે, તેવું કોંગ્રેસ
પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું. મોદી બોલ્યા હતા કે, કોંગ્રેસે
યાદ કરી લેવાની જરૂર હતી કે, આ ભાજપનો કાર્યક્રમ નહોતો. ભાજપના
કોઇ નેતા પણ એઆઇ સમિટમાં નહોતા. આ તો દેશનો કાર્યક્રમ હતો. કોંગ્રેસે તમામ મર્યાદા
તોડી નાખી, એઆઇ સમિટમાં જે કંઇ કર્યું તે જોયા જાણ્યા પછી આખો
દેશ કોંગ્રેસની નીતિ-રીતિ પર થૂ-થૂ કરી રહ્યો
છે, તેવા પ્રહારો વડાપ્રધાને કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું
હતું કે, કોંગ્રેસના નેતાઓને મોદીથી નફરત છે અને તે મારી કબર
ખોદવા માગે છે. મારાં માતાને ગાળો આપવામાં પણ તે અચકાતા નથી. તેમને ભાજપ અને એનડીએનો
વિશોધ છે પણ કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે એઆઈ ગ્લોબલ સમિટ ભાજપનો સમારોહ નહોતો અને
તેમાં ભાજપના કોઈ નેતા પણ મોજૂદ નહોતા. આ દેશનો, દેશનાં સન્માનનો
કાર્યક્રમ હતો પરંતુ કોંગ્રેસે આમાં પણ મર્યાદાઓ લાંઘી નાખી. આખા દેશમાં કોંગ્રેસની
આ નીતિરીતિ ઉપર થૂથૂ થઈ રહી છે પણ દુર્ભાગ્યથી આટલો જૂનો પક્ષ હોવા છતાં તેનાં નેતાઓ
લાજવાને બદલે ગાજે છે. બેઈજ્જતી કરનારાઓની જયકાર કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું હતું
કે, કોંગ્રેસની આવી હરકતોનો સિલસિલો એકધારો ચાલી રહ્યો છે. તેમણે
સંસદમાં શું કર્યું હતું ? સંસદમાં પોતે કંઈ કરી શકતા નથી એટલે
પોતાના સાથી દળોને પણ બોલવાનો મોકો નથી આપતા અને સંસદ ચાલવા દેતા નથી. આ બધાનું નુકસાન
કોંગ્રેસના સાથી પક્ષોને પણ થાય છે. દિલ્હીમાં જે નગ્નતા દેખાડી તેનાથી તેનાં સાથી
દળો પણ ચોંકી ગયા છે અને કોંગ્રેસથી અલિપ્ત રહ્યા છે. મોદીએ ભારતીય પરંપરાઓનું ઉદાહરણ
આપતા કહ્યું હતું કે, આપણાં ગામડાંમાં જો કોઈ ઘરમાં લગ્ન હોય
તો આખું ગામ તેને સફળ બનાવવામાં લાગી જાય છે. જેથી મહેમાનો એક સારી છબિ લઈને જાય પરંતુ
કોંગ્રેસ આનાથી ઉલટા દેશને જ બદનામ કરવા ઉપર ઉતરી આવ્યો છે.