ગાંધીધામ, તા. 22 : રાપરના ડાવરી નજીક જતી ભેંસમાં
બાઈક ભટકાતાં લખમણ હલાભાઈ ભુરિયા નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ કાનમેર નજીક
બાઈક સ્લીપ થતાં બાઈકચાલક ડાયા મુરા ભોપા નામના આધેડે જીવ ખોયો હતો. બાલાસરમાં રહેનાર
લખમણ નામના યુવાનના ઘરે મકાનનું કામ ચાલુ હોવાથી તે બાઈક નંબર જીજે-08-સીપી-1135વાળું લઈને સામાન લેવા રાપર
ગયો હતો. સાંજના ભાગે આ યુવાન પરત આવી રહ્યો હતો. દરમ્યાન રાપરથી ધોળાવીરા જતાં માર્ગ
પર ડાવરી નજીક અકસ્માત સર્જાયો હતો. આ યુવાનનું બાઈક ભેંસમાં ભટકાતાં બાઈકચાલકને ગંભીર
ઈજાઓ પહોંચી હતી, જેમાં તેને
પ્રથમ રાપર, ગાંધીધામ અને ત્યાંથી અમદાવાદ લઈ જવાતાં રસ્તામાં
તેઓ દમ તોડી દીધો હતો. બનાવમાં રામા હલાભાઈ ભુરિયાએ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ
કાનમેર પાસે બન્યો હતો. ગામમાં રહેનાર ડાયાભાઈ બાઈક નંબર જીજે-12-સીએસ-0144વાળું લઈને પલાંસવા ગામે વેલ્ડિંગની
દુકાને ગયા હતા. ત્યાંથી બપોરના અરસામાં જમવા બાઈકથી આવી રહ્યા હતા દરમ્યાન તેમનું
બાઈક સ્લીપ થતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પલાંસવા, ભુજ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા
હતા. બનાવ અંગે શાંતિબેન ભોપાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.