• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામની હોટેલમાં ગળેટૂંપો આપી મહિલાની હત્યા

ગાંધીધામ, તા. 22 : શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી હાલમાં સુંદરપુરી વિસ્તારમાં રહેનાર મૂળ માથકના ભાવનાબેન જેઠા લોંચા (ઉ.વ. 30)ની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. હોટેલમાં આ મહિલા સાથે આવેલા શખ્સને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો હતો. અંજારના ચંદિયા ગામમાં ગર્ભવતી પ્રેમીકાને ગળેટૂંપો દઇ હત્યાના બનાવની સાહી હજુ સૂકાઇ નથી તેવામાં વધુ એક મહિલાની હત્યાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. માથકમાં રહેનાર મોંઘીબેન જેઠાભાઇ લોંચાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી મહાદેવ હોટેલના રૂમ નં. 8માંથી મહિલાની લાશ મળી આવી હતી. આ હોટેલમાં ગઇકાલે બપોરે એક શખ્સ અને મહિલા રૂમ નં.-8માં આવ્યા હતા. બાદમાં આ શખ્સ ઊતરીને કયાંક ચાલ્યો ગયો હતો. તેવામાં સાંજના સમયે હોટેલનો સ્ટાફ ઉપર કામ અર્થે જતાં આ મહિલા ત્યાં બેભાન પડી હોવાનું બહાર આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ બોલાવાતાં મહિલાને મૃત જાહેર કરી હતી. બાદમાં મહિલાને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબોએ પી.એમ. કરી તેની ગળેટૂંપો દઇ હત્યા કરી દેવાઇ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસે તેની ઓળખ માટે શોધખોળ કરી હતી જેમાં તે ભાવનાબેન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે આ મહિલાએ અગાઉ અંતરજાળ ખાતે સન્ની  રાણા (ભીલ) સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નગાળા દરમ્યાન દીકરીના જન્મ બાદ સન્નીનું મૃત્યુ થયું હતું અને દીકરી સન્નીના ભાઇના ઘરે છે. બાદમાં આ મહિલાના કુકમા ખાતે લગ્ન થયાં હતાં જેમાં થોડા દિવસ પછી છૂટાછેડા થયા હતા. દરમ્યાન આ મહિલા સુંદરપુરી બાજુ રહેતા હતા જ્યાં દોઢેક વર્ષથી આરોપી એવા દિલીપ રેવા રાઠોડ સાથે સંબંધ બન્યા હતા. આ શખ્સના પણ છૂટાછેડા થયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. છૂટક મજૂરી કરતો આ શખ્સ અને મહિલા ગઇકાલે મહાદેવ હોટેલમાં ગયા હતા જ્યાં કોઇ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ગળેટૂંપો આપી તેની હત્યા નીપજાવીને ત્યાંથી નાસી ગયો હતો. આ શખ્સને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. 

Panchang

dd