કોટડા (ચ.), તા. 22 : ભુજ તાલુકાના
શેખપીર ચોકડી નજીક હાઈવે કિનારે રાજિંદી જીવનયાત્રાનું અનોખું દૃશ્ય જોવા મળે છે. અહીં
ખજૂરી સાવરણી બનાવતા કારીગરો રસ્તાની બાજુએ બેસી પરંપરાગત હસ્તકલા દ્વારા પોતાના પરિવારનું
ગુજરાન ચલાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી આવેલા કારીગરો ખજૂરીના પાનમાંથી સાવરણી બનાવી
પોતાની આજીવિકા રળી રહ્યા છે. હિંમતનગર
અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી આવતા કારીગરો કચ્છ જિલ્લામાં અલગ-અલગ ગામડાંઓમાંથી
ખજૂરીના પાનનો કાચો માલ એકત્ર કરે છે. આ કાચો માલ ખાનગી વાહનોમાં ભરી શેખપીર ચોકડી
અને આસપાસના હાઈવે વિસ્તારમાં લાવવામાં આવે છે અને આ કારીગરો પોતાના વતનમાં કાચો માલ
(ખજૂરીના પાન) લઇ જતાં હોય છે. ઘણીવાર હાઈવે કિનારે ખજૂરીના પાનના ભરેલા ગાંઠલા પડયા
અથવા વાહનોમાં લઇ જતાં ઊભા જોવા મળે છે, પોતાના વતનમાં આ સાવરણીઓ તૈયાર કરી વેચતા હોય
છે તો અમુક કારીગરો રસ્તાની બાજુમાં જ પાન ગોઠવી, તેને યોગ્ય
માપમાં કાપી અને દોરાથી મજબૂતીથી બાંધી હાથથી સાવરણી તૈયાર કરે છે.
એક કારીગર દિવસ દરમ્યાન અંદાજે 50થી 100 જેટલી સાવરણી
તૈયાર કરી શકે છે તેવું કારીગરોએ જણાવ્યું
હતું.