• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

એકતા મજબૂત બનાવે તેવાં સામાજિક કાર્યો પ્રેરણાદાયી

ભુજ, તા. 22 : વિવિધ સમાજ વચ્ચેની એકતા જળવાઈ રહે અને આ ભાવના વધુ ને વધુ મજબૂત બને તે માટે વિવિધ સમાજોને એક મંડપ નીચે લાવીને કરાતાં કાર્યો સામાજિક રીતે આવકાર્ય અને પ્રત્યેક સમાજ માટે અનુકરણીય હોવાનો સૂર આજે અહીં અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત 40મા સમૂહલગ્ન પ્રસંગે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો તથા સંતોએ વ્યક્ત કર્યો હતો. આ સનાતની સમૂહલગ્ન અંતર્ગત વિવિધ સમાજના 31 યુગલે તેમના લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. શહેરની ભાગોળે સેડાતા સ્થિત ધી વિલા ખાતે ઊભા કરાયેલા માતા વીરબાઈનગરના વિશાળ શમિયાણામાં ગ્રુપના આ 40મા લગ્નના બે દિવસીય કાર્યક્રમનું સમાપન થયું હતું. આયોજન અંતર્ગત જોડાયેલા રઘુવંશી અને અન્ય સમાજના કુલ 31 યુગલે તેમનાં લગ્નજીવનનો આ સાથે પ્રારંભ કર્યો હતો. પ્રત્યેક કન્યાને દાતાઓના સહકારથી સાડા ત્રણ લાખ રૂપિયાથી વધારેનું કરિયાવર અપાયું હતું. આ પ્રસંગે એકબાજુ રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના શાંતિદાસજી મહારાજની રક્તતુલા યોજાઈ હતી, તો રઘુવંશી સમાજના મોવડી એવા વિધાનસભાના માજી અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને સમાજરત્ન તરીકે સન્માનિત કરાયા હતા. ગ્રુપ દ્વારા તેના ભુજ શહેર એકમના સહયોગે ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં 40મા સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી ઉપરાંત જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તથા મહામંત્રી ધવલભાઈ આચાર્ય અને હિતેષ ખંડોલ વગેરેએ આયોજનને બિરદાવ્યું હતું. આ અગ્રણીઓએ આ પ્રકારના આયોજનથી વિવિધ સમાજ વચ્ચેની એકતા અને ભાઈચારો મજબૂત બનતો હોવાનું કહી આવા સમારંભ દરેક સમાજ માટે આવકાર્ય અને પ્રેરણાદાયી હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સંતો જાનકીદાસજી મહારાજ (કમીજલ), ચંદુમા (ગઢશીશા), દિલીપ રાજા કાપડી (મોરજર), સચ્ચિદાનંદ સંપ્રદાય અંજારના ત્રિકમદાસજી, આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી, વાંઢાયના જીતુ ભગત, માતાના મઢના રાજાબાવા યોગેન્દ્રસિંહજી, ના. સરોવર જાગીરના સોનલલાલજી મહારાજ, હમનખુડીના દિનેશદાસજી મહારાજ વગેરેએ આશીર્વચન આપતા આયોજનને બિરદાવ્યું હતું. સત્કાર સમારંભમાં અગ્રણીઓ, દાતાઓ અને મહેમાનોનું બહુમાન ગ્રુપના હોદ્દેદારો અને જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા કરાયું હતું. આયોજન અંતર્ગત યોજાયેલા રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્તથી સંત શાંતિદાસજી મહારાજની તુલા કરાઈ હતી. જગતગુરુ અને 1008ની પદવી બદલ રકતતુલા કરીને સંત પ્રત્યેનો અહોભાવ ઉજાગર કરાયો હતો, જ્યારે વિધાનસભાના માજી અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યને રઘુવંશી (સમાજ) રત્નથી સન્માનાયા હતા. છેલ્લા સાડા ત્રણ દાયકાથી જ્ઞાતિ માટે વિવિધ ઉપયોગી કાર્યો બદલ આ બહુમાન કરાયું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં ડો. નીમાબેને જ્ઞાતિ અને સમાજ માટે શક્ય એટલું કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ગ્રુપના સ્થાપક પ્રમુખ જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા), માજી પ્રમુખ વસંતભાઈ કોડરાણી અને પંકજભાઈ ઠક્કર (પડાણાવાળા), અખિલ કચ્છ લોહાણા મહાજનના માજી અધ્યક્ષ બળવંતભાઈ ઠક્કર, ભુજ લોહાણા મહાજનના અધ્યક્ષ ડો. મુકેશભાઈ ચંદે, ગ્રુપના વર્તમાન પ્રમુખ જયેશ સચદે, મહામંત્રી સુકેતુ રૂપારેલ, મહેન્દ્ર ગટ્ટા અને ધીરજ તન્ના, વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ પલણ તથા મહિલા પાંખ, યુવા પાંખ અને ગ્રુપના વિવિધ તાલુકા એકમના હોદ્દેદારો અને અગ્રણીઓ સ્વાગત સન્માન અને આવકારમાં જોડાયા હતા. મુંબઈ લોહાણા મહાજનના પ્રમુખ નીતિનભાઈ પાંધી તેમની કારોબારીના 10 સભ્ય સાથે સહભાગી થયા હતા. વિવિધ ગામના લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવા પાંખના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. ગ્રુપના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર આયોજન માટે કચ્છ અને બૃહદ કચ્છના રઘુવંશી અને અન્ય સમાજના દાતાઓ અને શ્રેષ્ઠીઓનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો હતો. મૂળ વિંઝાણના હાલે મુંબઈ કમલેશભાઈ અને કિરણભાઈ મામોટિયા પરિવારનો મુખ્ય દાતા તરીકે અને રક્ષાબેન પંકજભાઈ ઠક્કર (પડાણા) પરિવારનો સહ મુખ્યદાતા તરીકે સહયોગ મળ્યો હતો. 

Panchang

dd