• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

સત્ય, સાદગી અને સુશીલતાને સમજી શકે એ જ સેવાભાવીનાં યોગદાનને અનુભવી શકે

ભુજ, તા. 22 : સત્ય, સાદગી, સુશીલતા, સ્નેહ, સદાચાર, સાહસ અને નિર્વ્યાજ સમર્પણનું ઇન્દ્રધનુ જે પોતામાં વસાવી શકે એ જ ડો. કવિતાનાં જીવન તથા યોગદાન સમજી શકે. ઉદાત હેતુ માટે નેતૃત્વ લેવું, સદાય કરુણ્યસભર અને સસ્મિત રહેવું તથા પ્રાપ્ત પ્રત્યેક પળનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો એ ડો. કવિતાજીનો જીવનમંત્ર હતો. આ શબ્દો ડો. કવિતા (મીરાં) સચદે સ્મૃતિ સમારોહના પ્રમુખ સાહિત્યકાર જયંતીભાઇ જોશી `શબાબ'એ ડો. કવિતાની સેવાઓને શ્રદ્ધાંજલિ આપતાં ઉચાર્યા હતા. સ્વામી શાંતિદાસજી બાપુ નાદુરસ્ત તબિયતનાં કારણે હાજરી આપી ન શકતાં તેમણે સેલફોનથી આશીર્વચન પાઠવ્યા હતા. ડો. કવિતા સચદેની 32મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના 31મા સ્મૃતિ સમારોહના પ્રારંભમાં ચેરમેન ઉર્મિશ સચદેએ સ્વાગત કર્યું હતું. મેને. ટ્રસ્ટી હિરેન સચદેએ જયંતીભાઇ જોશીનું સન્માન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. શ્રી શબાબ, પુષ્પદાનભાઇ ગઢવી તથા શિવજીભાઇ આહીરે ડો. કવિતા સચદેનાં તૈલચિત્રને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ  આપી હતી. આ પ્રસંગે બીએચએમએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિની કુ. સ્નેહા બી. પરમાર - ભુજ, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી સિદ્ધાર્થ એસ. ગોહિલ-ભુજ અને  મહેક કે. બળિયા-ભુજ તથા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી  ફરઝાના એ. મેમણ-ભુજ અને વૈદેહી એમ. વરૂ-નાગલપરને શ્રી શબાબ, શ્રી ગઢવી, શ્રી આહીર, ડો. કાંતિભાઇ ગોર તથા અનિલભાઇ અજાણીના હસ્તે સ્કોલરશિપ્સ એનાયત કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએચએમએસના ચોથા વર્ષમાં પ્રથમ ઉર્વિશા મહેશભાઇ બોટાદરા, વી.ડી. હાઇસ્કૂલમાં એચ.એસ.સી. સાયન્સ પ્રથમ કિશનસિંહ આર. જાડેજા, માતૃછાયા કન્યા વિદ્યાલય એસ.એસ.સી. પ્રથમ યાના એ. સચદે તથા રાજ્યકક્ષાએ સ્પોર્ટસમાં પ્રથમ જ્યોતિબેન એમ. ગોહિલ-ભુજ  તથા અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત વ્યક્તિઓને લલિતભાઇ કોટક, ડી.પી. ઠક્કર, જોરૂભા રાઠોડ, રામદેવસિંહ જાડેજા, લાલજીભાઇ મેવાડા તથા ઝવેરીલાલ સોનેજીના હસ્તે ડો. કવિતા સચદે મેમોરિયલ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્કૃત પાઠશાળા તરફથી વિભાકરભાઇ અંતાણીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રેષ્ઠ ભજન, દોડ તથા વાંચન સ્પર્ધાના 4-4 વિજેતાને રાજેશભાઇ પી. ઠક્કર, મલ્હારભાઇ બૂચ, હરેશભાઇ ઠક્કર, વિનોદભાઇ મહેતા, કલ્પેશભાઇ જેઠીના હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા, જ્યારે સત્યમ તથા તાનારીરી તરફથી દર્શકભાઇ અંતાણીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલી શ્રેષ્ઠ મહેંદી, ભજન તથા શ્લોક પઠન સ્પર્ધાના વિજેતાઓ વિજયભાઇ સચદે, હિમાંશુભાઇ ચોથાણી, વિનેશભાઇ સચદે તથા ડો. પૂજાબેન સચદેના હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા. 

Panchang

dd