નવી દિલ્હી, તા. 22 : દિલ્હી પોલીસ
સ્પેશિયલ સેલની ટીમે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા બાંગલાદેશી
મોડયુલનો પર્દાફાશ કરી નાખ્યો છે. પોલીસે સાત બાંગલાદેશી સહિત આઠ આતંકવાદીની ધરપકડ
પણ કરી લીધી છે. આ તમામ આતંકી પાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને બાંગલાદેશી આતંકી સંગઠનોના
ઈશારે ભારતમાં રેકી કરીને આતંકવાદી હુમલાનો કારસો ઘડી રહ્યા હતા. આઠ આતંકી તામિલનાડુ
અને કોલકાતામાંથી પકડાયા બાદ ધડાકો કરાયો હતો કે,
બાંગલાદેશમાં મોજૂદ મોડયુલનો આકા શબ્બીર શાહ તોયબાના વડા હાફિઝ સઈદના
સીધા સંપર્કમાં હતો. પકડાયેલા આતંકીઓ પાસેથી એક ડઝન કરતાં વધુ મોબાઈલ ફોન, સિમકાર્ડ કબજે કરાયા હતા. અગાઉ સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે
ધડાકાનું એલર્ટ જારી કર્યું હતું. પોલીસ તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, આ આઠેય આતંકીઓએ સોશિયલ મીડિયા પર પાક સ્થિત આતંકી જૂથોના સમર્થનમાં પોસ્ટ કરી
હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિક કમિશનર પ્રમોદ કુશવાહાએ કહ્યું હતું કે,
દિલ્હી અને કોલકાતાના મેટ્રો સ્ટેશનો પર પાકિસ્તાની આતંકી જૂથોની પ્રવૃત્તિઓ
વખાણતાં પોસ્ટરો મૂકયાં હતાં. તપાસમાં સામે આવ્યું છે કે, આ બધાં
પોસ્ટર બંગાળમાં કોલકાતામાંથી દિલ્હી લવાયાં હતાં. આતંકીઓની પૂછપરછ શરૂ કરાઈ હતી.