એડિલેડ, તા.22 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની
વાઇસ કેપ્ટન અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ ગર્જના કરી છે કે તેની ટીમ સતત ટોચ પર રહીને
વિશ્વ ક્રિકેટ પર દબદબો કાયમ કરવા માગે છે. ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપમાં ભારતીય મહિલા
ટીમ ચેમ્પિયન બની હતી. હવે તેની નજર આ વર્ષના મધ્યમાં રમાનાર ટી-20 વિશ્વ કપ ખિતાબ પર છે. ભારતીય
મહિલા ટીમે ગઈકાલે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર પહેલીવાર હાર આપી ઇતિહાસ
રચ્યો છે. મહિલા ટી-20 વિશ્વ કપ
12 જૂનથી પ જુલાઇ સુધી ઇંગ્લેન્ડ
અને વેલ્સમાં રમાવાનો છે. આ મેચમાં 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર
સ્મૃતિએ કહ્યું કે ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી રહી છે. અમે હરીફ ટીમ સામે ભૂતકાળમાં
શું થયું તે વિશે વિચારતા નથી. તેમણે અમને હરાવ્યા,
અમે તેને હાર આપી. જે હવે મહત્ત્વપૂર્ણ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે
ત્રીજી ટી-20 મેચની જીત
વિશે સ્મૃતિએ જણાવ્યું મને એડિલેડ શહેર બહુ ગમે છે. મને તે ઓસ્ટ્રેલિયાનું સૌથી સારું
શહેર લાગે છે. અહીં આવી જીત મેળવવી વિશેષ ખુશી છે. આ વર્ષ ટી-20 ફોર્મેટનું વર્ષ છે. ગત સાલ
વન ડે ક્રિકેટનું હતું. હવે અમારી ટીમ ટી-20 પર કાર્ય કરી રહી છે. અમે શ્રેષ્ઠ ઇલેવન અને સર્વશ્રેષ્ઠ 1પ ખેલાડી તૈયાર કરવાના છે. જે માટે ડબ્લ્યૂપીએલથી
ફાયદો થયો છે.