• બુધવાર, 08 એપ્રિલ, 2026

વરસાદના વિઘ્ન વચ્ચે મુંબઈ સામે રાજસ્થાનની 27 રને જીત

ગુવાહાટી, તા. 7 : અહીંના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થયો હતો, જેમાં રાજસ્થાને મુંબઈને 27 રનથી હરાવીને આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. 32 દડામાં અણનમ 77 રન બનાવનારો યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો સતત બીજો પરાજય થયો હતો. 151 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈની ટીમ 9 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી બર્ગર, સંદીપ અને બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. મેચ શરૂ થાય તે પહેલાં વરસાદ પડ્યો, જેના કારણે ઘણો સમય બગાડાયો અને તેના કારણે મેચ 11 ઓવર પ્રતિ ઇનિંગ્સ સુધી ઘટાડી દેવામાં આવી હતી. જીતના ઈરાદે મેદાને ઉતરેલી મુંબઈ વતી નમન ધીરે 13 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી 25 રન બનાવ્યા હતા, જ્યારે રધરફોર્ડે 8 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગા લગાવી 25 રન કર્યા હતા. તિલક વર્મા 14 રને અને કેપ્ટન હાર્દિક પંડયા 9 રન કરી પેવેલિયન ફર્યા હતા. આરઆર વતી નાંદ્રે, સંદીપ અને રવિને 2-2 વિકેટ મળી હતી. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બાટિંગ કરતા 11 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવ્યા હતા. મુંબઈ સામે 151 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 32 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન અને કેપ્ટન રિયાન પરાગે 10 બોલમાં 20 રન બનાવ્યા હતા. મુંબઈ વતી ગજનફરે 2 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે શાર્દુલને 1 વિકેટ સાંપડી હતી.  

Panchang

dd