ગાંધીધામ, તા. 9 : શહેરની મધ્યમાં આવેલા શિવાજી
પાર્ક બગીચાવાળો માર્ગ ટાગોર રોડથી લઈને ભાઈ પ્રતાપ સર્કલ સુધી બનાવવાનો છે, સાથે સાથે અહીં વરસાદી પાણીના નિકાલ માટે નાળુ
પણ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર મંથન ગતિએ કામ
કરી રહ્યા છે. લગભગ બે મહિનાથી અહીં લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. હાલના સમયે
આ ઠેકેદારને કોઈ કહેવાવાળું ન હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આવન-જાવનના રસ્તા પણ
બંધ થાય છે, પરંતુ કામમાં ગતિ આવતી નથી. તેનાં કારણે લોકોને અને
વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શહેરના જૂની કોર્ટ રોડ, જે ક્રોમા સેન્ટરથી લઈને જૂના પોલીસ સ્ટેશન સુધી તથા શિવાજી પાર્ક માર્ગ,
મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં માર્ગોનાં કામ થઈ રહ્યા છે, પરંતુ અત્યંત ધીમી ગતિએ કામ થતા હોવાથી લોકોની હેરાનગતિ વધી ગઈ છે. કામગીરી
દરમિયાન કોઈ આડસ પણ રાખવામાં આવતી નથી, જેનાં કારણે ગંભીર અકસ્માત
સર્જવાનો ખતરો પણ વધ્યો છે. ખાસ કરીને, શિવાજી પાર્ક માર્ગ અને
ક્રોમા શોરૂમથી લઈને જૂના પોલીસ સ્ટેશન સુધીના માર્ગમાં આ વધુ સમસ્યા છે. મ્યુનિસિપલ
કમિશનર મનીષ ગુરુવાણી દ્વારા નિયમિત રીતે માર્ગોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે
છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર ધીમી ગતિએ અને કામની ગુણવત્તા સાથે
સમજોતા કરે છે તેમની સામે કાર્યવાહી જરૂરી છે. અગાઉ એ કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ ફટકાર્યો છે, હવે આ બે માર્ગોમાં ખરેખર કામની સમીક્ષા કરીને
જરૂરી પગલાં ભરવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય બજારમાં ગાંધી
માર્કેટથી શરૂ થનારા આઇકોનિક રોડની કામગીરીમાં નાળાની ડિઝાઇન અને રોડ લેવલ વચ્ચેના
મુદ્દે બુધવારે ઝવેરી બજારમાં વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાને
આ બાબતે રજૂઆત પણ કરાઈ હતી. મુખ્ય બજારનું કામ હવે થોડું ગતિમાં થઈ રહ્યું છે. અહીં
આરસીસી માર્ગ બને છે, પરંતુ રોડ લેવલ સહિતના મુદ્દાઓ ઉપર સવાલો
ઊભા થઈ રહ્યા છે. વહીવટી તંત્રએ એન્જિનીયરને સાથે રાખીને આ સમસ્યાનું સમાધાન કરવું
જરૂરી છે. વેપારીઓને સમસ્યા કન્નડતી હોય તો જ તે સામે આવે છે. એટલા માટે તંત્ર સમસ્યાનું
નિવારણ લાવે તે અતિ જરૂરી છે. સાથે સાથે કમિશનર દ્વારા શિવાજી પાર્ક માર્ગ અને જૂની
કોર્ટ રોડની કામગીરીની ઊંડી સમીક્ષા થાય તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી
રહી છે.