ભુજ, તા. 9 : જૈન ધર્મનો મહામંત્ર ગણાતો
નવકાર મંત્ર આજે વિશ્વવ્યાપી સ્તરે ગુંજી ઊઠ્યો હતો. વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે
108 દેશોમાં સવારે 8:01 કલાકેથી 9:36 સુધી એકસાથે મંત્રોચ્ચાર કરીને
શાંતિ, એકતા અને આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ પ્રસારિત
કરાયો હતો. ભુજમાં ટાઉનહોલ ખાતે વિશેષ કાર્યક્રમ
યોજાયો હતો. દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. મુખ્ય દાતા વાડીલાલભાઈ
રતનશીભાઈ ભીમજીભાઈ સાવલા પરિવાર તથા સહદાતા કમલેશભાઈ પ્રેમચંદભાઈ સંઘવી પરિવાર રહ્યા
હતા. સમસ્ત જૈન સમાજના ગચ્છ અને સ્થાનક પ્રમુખો હાજર રહ્યા હતા. સંઘ તેમજ હિતવર્ધનસાગર
મ.સા.એ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવ્યા હતા. કોમલબાઈ મ.સ. , મનીષાબાઇ
મ.સ., અચલગચ્છના પ્રમોદકિરણાશ્રીજી અને પાર્શ્વકિરણાશ્રીજી મ.સ.
આદિ ઠાણાની ઉપસ્થિતિ રહી હતી. ભુજ ચેપ્ટરના
ચેરમેન પંકજભાઈ મહેતાએ જીતો દ્વારા ગત વર્ષથી વિશ્વશાંતિ હેતુ શરૂ કરાયેલા આ નવકાર
મંત્ર જાપ પ્રકલ્પ વિશે માહિતી આપતાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરાયેલા નવ સંકલ્પો
યાદ કર્યા હતા. જીતો દ્વારા કરાઇ રહેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો. અઢી વર્ષમાં 106 કરોડ લોન રકમ જીતોનાં માધ્યમથી
અપાઈ હોવાનું ઉમેર્યું હતું. કચ્છ યુનિવર્સિટી સાથે એમઓયુ કરીને જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ
સુધી નવકાર મંત્ર નવ સંકલ્પ પહોંચાડવાના પ્રકલ્પ સાથે 24 તીર્થંકર ભગવાનની માતાનાં નામ
પર વૃક્ષારોપણ સહિતના અન્ય અનેક પ્રકલ્પો સાથે કાર્યો કરાઇ રહ્યાં હોવાનું જણાવ્યું
હતું અને જીતો યૂથ, લેડીસ વિંગ
કે મેઇન ચેપ્ટરમાં જોડાવા માટે આહ્વાન કર્યું
હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીથી વર્ચ્યુઅલી વિજ્ઞાન ભવન ખાતે
યોજાયેલા `િવશ્વ નવકાર
મહામંત્ર દિવસ' પ્રસંગે સંબોધન આપતાં જણાવ્યું
હતું કે વૈશ્વિક સ્તરે વધતા યુદ્ધ અને તણાવ વચ્ચે નવકાર મંત્રનો જાપ વિશ્વમાં શાંતિ
સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં
અનેક ધર્મો છે . મંત્રોનો મોટો મહિમા છે. યુવાઓ દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે
જણાવ્યું હતું કે મંત્ર રટણ જીવનને ઉર્ધ્વગતિ પ્રદાન કરે છે, ચૈતન્ય જાગૃત કરે છે, શુભ સંકલ્પને બળ આપે છે. સામૂહિક મંત્ર જાપથી વિશ્વ કલ્યાણ થાય છે. તેમણે શુભસાગર
મા.સા.એ જણાવેલા મંત્રનો અર્થ પણ કહ્યો હતો. જિલ્લા આઈબીના એસપી અંસુલ જૈન તથા શ્રીમતી
જૈનનું સન્માન કરાયું હતું. બાળ મુમુક્ષુ દિવ્ય હાર્દિક શાહ, હિત હાર્દિક શાહ, આદિ વિરલ શેઠનું સન્માન કરાયું હતું.
સમગ્ર દીક્ષાર્થી પરિવારના વિમલ દોશી, આર્યન દોશી, બંસીબેન, વૃષિકાકુમારી વતી પરિવારના હિંમતલાલ કરશનભાઈ
દોષીનું પ્રતીકરૂપે સન્માન કરાયું હતું. જીતો દ્વારા આયોજિત કાયક્રમમાં સ્થાનિક તેમજ
વૈશ્વિક સ્તરે ભક્તોએ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમ દ્વારા જોડાઈ મંત્ર જાપમાં સહભાગિતા
નોંધાવી હતી. `એક વિશ્વ, એક મંત્ર - શાંતિ માટે સાથે'માં 108થી વધુ દેશોએ
જોડાઈને આધ્યાત્મિક ઊર્જા સાથે નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરી હતી. ચીફ સેક્રેટરી
બિરજુ શાહ તથા અન્યો સહયોગી રહ્યા હતા. સંચાલન જીતો લેડીસ વિંગના ચેરપર્સન રેશ્માબેન
ઝવેરીએ સંભાળ્યું હતું અને નવકાર મંત્રને વૈશ્વિક માન્યતા મળે તેવી આશા વ્યક્ત કરી
હતી. - શંખેશ્વર મહાતીર્થે સામૂહિક
નવકાર મંત્રના જાપ : શંખેશ્વર
મહાતીર્થે જહાજ મંદિરના ઉપક્રમે પુણ્યરત્નચંદ્રજી મ.સા., નયશેખર
મ.સા. એવં સાધ્વી ભગવંતોની નિશ્રામાં સામૂહિક જાપ યોજાયા હતા. આ અનુષ્ઠાનનો લાભ શ્રીમદ્
વિજયરત્નશેખર સૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી માતા વાસંતીબેન અગરચંદજી દોશી હસ્તે-રાકેશભાઈ
દોશી, ગામ: સેવાડી, રાજસ્થાન, હાલે મુંબઈવાળા પરિવારે લીધો હતો. વિધિવિધાન રાજુભાઇ પાટણવાળાએ કરાવ્યા હતા.