• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

સી.આર.પી.એફ.ની નાનકડી ટુકડીની ગાથા ગર્વ સમાન

ભુજ, તા. 9 : દર વર્ષે 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોનાં બલિદાનને યાદ કર્યું હતું સાથે બીએસએફ અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલાં ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વીરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયની વિકટ પરિસ્થિતિમાં સીઆરપીએફ જવાનોએ ત્રણ હજારથી વધારે દુશ્મનની  સામે બહાદૂરીપૂર્વક ટક્કર ઝીલી હતી.  આઈજી શ્રી અગ્રવાલે સીઆરપીએફમાં નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ.  સીઆરપીએફ એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રાસિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે, 1965નાં યુદ્ધમાં પાકિસ્તાનની ત્રણ હજારથી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનો એ સમયે માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ નિર્ભિકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી.  દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના સાત જવાન શહીદ થયા હતા. સીઆરપીએફને ચાર પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી. આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી.  શૌર્ય દિવસના કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડો. વિશ્વા શાહ, સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજિત કાલે, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશચંદ્ર ચંદેલ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd