• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

રતનાલ હાઈસ્કૂલ અને વિવેકાનંદ સ્કૂલની જીત

ભુજ, તા. 15 : રતનાલના સંત વલ્લભદાસજી મહારાજ મેદાન પર કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત કચ્છમિત્ર એન્કરવાલા કપની આજે રમાયેલી લીગ મેચમાં સરકારી ઉ.મા. હાઈસ્કૂલ-રતનાલનો શ્રીમતી બીના પરીખ સ્કૂલ-અંજાર સામે 111 રનના મોટા અંતરથી  વિજય થયો હતો, જ્યારે સ્વામી વિવેકાનંદ સ્કૂલ-અંજાર સામે ઉ.મા. શાળા, ખેડોઈની 82 રને હાર થઈ હતી.

સવારે રમાયેલી મેચનો ટોસ નંદલાલભાઈ આહીરે ઉછાળ્યો હતો. ટોસ જીતીને બેટિંગમાં આવેલી રતનાલ હાઈસ્કૂલે મેન ઓફ ધ મેચ જગદીશ માતાના 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથેના 77 અને સેકન્ડ મેન ઓફ ધ મેચ વિદુર છાંગાના 9 ચોગ્ગા, 1 છગ્ગાથી 75 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 186નો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ભવ્ય હર્ષે બે અને ઋષિત ચૌહાણ તથા હર્ષ મકવાણાને 1-1 વિકેટ મળી હતી. જવાબમાં અંજારની ટીમ 15.4 ઓવરમાં માત્ર 75 રનમાં ઓલઆઉટ થતાં 111 રને મેચ હારી હતી. ટીમ વતી હર્ષ મકવાણાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. માધવ આહીર, નીરવ આહીર અને માધવ ઝાલાએ બે-બે વિકેટ મેળવી હતી. અમ્પાયર તરીકે રામજીભાઈ આહીર અને રાહુલ આહીર, જ્યારે સ્કોરર તરીકે માધવ આહીર અને પ્રકાશ આહીર રહ્યા હતા. મેન ઓફ ધ મેચ અને સેકન્ડ મેન ઓફ ધ મેચને નંદલાલભાઈ માતા અને નંદલાલભાઈ છાંગા તરફથી ઈનામ અપાયાં હતાં.

સ્વામી વિવેકાનંદ સ્કૂલ-અંજાર અને ઉ.મા. શાળા ખેડોઈ વચ્ચે બપોરે રમાયેલી મેચમાં મેઘજીભાઈ ભણશાલીએ ટોસ ઉછાળ્યો હતો. અંજારની ટીમે ટોસ જીતીને બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 148 રન બનાવ્યા હતા. ગૌતમ યાદવે ત્રણ છગ્ગા સાથે 38, મેન ઓફ ધ મેચ કર્મદીપસિંહ ઝાલા (31) અને ધૈર્ય પલણ (29)એ યોગદાન આપ્યું હતું. ખેડોઈ ટીમ વતી ધ્રુવરાજ ઝાલાએ બે, મીતરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં ધર્મરાજસિંહ ઝાલાના 35 રનના મુખ્ય યોગદાન છતાં અંજારની ટીમ 11 ઓવરમાં 66 રને સમેટાઈ જતાં મેચ 82 રને હારી હતી. મેન ઓફ ધ મેચ કર્મદીપસિંહ જાડેજાએ 4, હાર્દિક બડિયા અને હિતેશ મકવાણાએઁ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ધર્મરાજસિંહ ઝાલા સેકન્ડ મેન ઓફ ધ મેચ થયા હતા. હરદેવસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલાના હસ્તે ટ્રોફી અપાઈ હતી. .કે. આહીરની સાથે નંદલાલ આહીર અમ્પાયર, જ્યારે માધવ આહીર અને પ્રકાશ માતા સ્કોરર રહ્યા હતા.

Panchang

dd