• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય પેરા ક્રિકેટ ટૂર્ના.માં કોમેન્ટરી કરશે ધાણેટીનો દિવ્યાંગ યુવાન

રતનાલ, તા. 6 : ભુજ તાલુકાના ધાણેટી ગામના દિવ્યાંગ અને પ્રતિભાશાળી યુવાન પ્રવીણ શામજીભાઈ માતા (આહીર)ની ભારતીય પેરા ક્રિકેટ ક્લબ-ઈન્ડિયા દ્વારા આગામી મહિને શ્રીલંકામાં યોજાનારી પેરા (દિવ્યાંગ) ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે સત્તાવાર પસંદગી કરવામાં આવી હતી. પ્રવીણ માતાએ `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંચાલન, સંતવાણી, લોકડાયરામાં રસ ધરાવે છે અને કચ્છભરમાં વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તેઓ કોમેન્ટરીમાં ઘણા વર્ષોથી સંકળાયેલા છે. પસંદગી પ્રક્રિયા અંગે પ્રકાશ પાડતાં પ્રવીણે કહ્યું હતું કે, ઈન્ડિયા પેરા ક્રિકેટ ક્લબ ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થા છે, જે દર વર્ષે વિદેશમાં ભારતીય પેરા ક્રિકેટરોની વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે શ્રીલંકા ખાતે ત્રણ મેચનું આયોજન થવાનું છે. જેમાં ભારતીય ટીમમાં ખેલાડીઓ સહિત 30થી 35 જણનો સ્ટાફ ત્યાં જવાનો છે. આ વર્ષે પ્રથમ વખત ટીમના સ્ટાફમાં કોમેન્ટરીમાં કોમેન્ટેટર તરીકે સમગ્ર ગુજરાત અને સંભવત દેશમાંથી પ્રથમ વખત દિવ્યાંગને કોમેન્ટરીમાં સ્થાન મળ્યું છે. આ પસંદગી પ્રક્રિયામાં વર્તમાનમાં પેરા ક્રિકેટ ભારતીય ટીમના કેપ્ટન વિભુભાઈ રબારી (સામખિયાળી) દ્વારા પેરા ક્લબ સમક્ષ આ વર્ષે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, આ વર્ષે વિદેશમાં યોજાનાર દિવ્યાંગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમમાં કોમેન્ટરીનો સમાવેશ કરવામાં આવે, જેમાં પસંદગીમાં બોર્ડ દ્વારા સંભવિત કોમેન્ટેટરની યાદી તૈયાર કરી, જેમાં વિવિધ અભ્યાસ અને અભિપ્રાય બાદ તેઓની પસંદગી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, હમણા થોડા દિવસો અગાઉ કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કબડ્ડી ટૂર્નામેન્ટમાં તેઓએ કોમેન્ટરી કરી હતી, જેમાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર હતું.

Panchang

dd