• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

દ. આફ્રિકા સામે પહેલી ટી-20માં ઉપકપ્તાન ગિલ મેદાનમાં ઊતરશે

મુંબઈ, તા. 6 : ભારતીય ટી-20 ટીમના ઉપકેપ્ટન શુભમન ગિલને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ)ની ખેલ વિજ્ઞાન ટીમે દક્ષિણ આફ્રિકા સામે પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની મંજૂરી આપી દીધી છે. ગિલ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, હવે તેણે સફળતાપૂર્વક રિહેબિલિટેશન પૂરું કર્યું છે. હવે ગિલને તમામ ફોર્મેટ માટે ફિટ ઘોષિત કરવામાં આવ્યો છે. સીઓઈએ ગિલનું ફિટનેસ સર્ટિફિકેટ બીસીસીઆઈ મેનેજમેન્ટને સોંપી દીધું છે. શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી-20 શ્રેણીની ટીમમાં ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ આશા છે કે, પહેલી ટી-20થી જ ગિલ એક્શનમાં જોવા મળશે. ગિલના ફિટનેસ સર્ટિફિકેટમાં બીસીસીઆઈને કહેવામાં આવ્યું છે કે, શુભમન ગિલે સીઓઈમાં પોતાનું રિહેબિલિટેશન સફળતાપૂર્વક રીતે પૂરું કર્યું છે. તેણે રમતના તમામ પ્રારૂપમાં ફિટ ઘોષિત થવા માટે તમામ માપદંડો પૂરા કર્યા છે. ગિલ સાથે હાર્દિક પંડયા પણ પૂરી રીતે ફિટ થઈ ચૂક્યો છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા તરફથી રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે. હાર્દિક પણ ટી-20 શ્રેણીથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. હાર્દિકે અંતિમ મેચ એશિયા કપ 2025માં શ્રીલંકા સામે રમ્યો હતો.

Panchang

dd