બ્રિસબેન, તા. 6 : એશિઝ
શ્રેણીની બીજી અને ડેનાઇટ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ
ઉપર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના પહેલા દાવમાં
સહિયારા પ્રયાસથી 511 રનનો વિશાળ સ્કોર કર્યો હતો અને
ઇંગ્લેન્ડ ઉપર 177 રનની સરસાઈ મેળવી હતી. જેના જવાબમાં
ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસના અંત સુધીમાં છ વિકેટે 134 રન
કરી શકી હતી. હજી પણ ઇંગ્લિશ ટીમ 43 રન પાછળ છે જ્યારે ઓસ્ટ્રેલિયા
પાસે એક ઇનિંગ્સ હજી પણ બાકી છે. જેનાં પરિણામે ઇંગ્લેન્ડની ટીમ દબાણમાં છે. આ
અગાઉ ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં તમામ ખેલાડીઓનું સ્કોરમાં યોગદાન જોવા મળ્યું
હતું. જેમાં 11 ખેલાડીઓએ ડબલ અંકમાં સ્કોર કર્યો હતો અને કુલ પાંચ ખેલાડીઓએ
અર્ધસદી કરી હતી. સૌથી વધારે રન મિચેલ સ્ટાર્કે કર્યા હતા. તેણે અંતિમ વિકેટો બાકી
હતી ત્યારે 141 બોલમાં 77 રન કર્યા હતા. આ ઉપરાંત જેક
વેધરાલ્ડે 72, લાબુશેને 65, સ્ટિવન સ્મિથે 61, એલેક્સ
કેરીએ 63, ગ્રીને 45 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી.
જેનાં પરિણામે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 511 રન સુધી પહોંચી ગયો હતો.
ઇંગ્લેન્ડના બીજા દાવમાં મહત્ત્વની ભાગીદારીનો અભાવ જોવા મળ્યો હતો. સમયાંતરે
વિકેટોનું પતન યથાવત્ રહેતાં ટીમ ધીરે ધીરે દબાણમાં આવી હતી. દિવસના અંત સુધીમાં
ઇંગ્લેન્ડ છ વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને 134 રન જ થયા હતા. હજી પણ
ઇંગ્લેન્ડની ટીમ 43 રનથી પાછળ ચાલી રહી છે. જેના પરિણામે ઓસ્ટ્રેલિયાનું પલડું
મજબૂત લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, માઇકલ નેસર અને સ્કોટ
બોલેન્ડે 2-2 વિકેટ લીધી હતી.