નવી દિલ્હી, તા. 6 : ન્યૂઝીલેન્ડ
અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ વિન્ડિઝ
બેટધરોની અભૂતપૂર્વ લડત બાદ ડ્રો થઈ હતી. યજમાન ટીમે વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 531 રનનો
પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે લાગી રહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ટીમ
સરળતાથી મેચ જીતી લેશે. જો કે, વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ
યાદગાર બેટિંગ કરી ચોથી ઈનિંગ્સમાં છ વિકેટે 457 રન
કર્યા હતા. જસ્ટિન ગ્રીવ્સે અફલાતૂન બેવડી સદી ફટકારી હતી. રમત પૂરી થઈ ત્યારે
વિન્ડિઝની ટીમનો સ્કોર 163.3 ઓવરમાં છ વિકેટે 457 રન
હતો અને ટીમ મેચ જીતવાથી માત્ર 74 રન પાછળ રહી હતી. પ્લેયર ઓફ ધ
મેચ જસ્ટિન ગ્રીવ્સે યાદગાર પ્રદર્શન કરતાં 388 બોલમાં નોટઆઉટ 202 રન
કર્યા હતા, જ્યારે
કેમાર રોશે 233 બોલનો સામનો કરતાં આઠ ચોગ્ગાની મદદથી
નોટઆઉટ 58 રન કર્યા હતા. ગ્રીવ્સ અને રોશ વચ્ચે સાતમી વિકેટ માટે 180 રનની
અતૂટ ભાગીદારી બની હતી. આ પહેલાં ગ્રીવ્સે શાઈ હોપ સાથે મળીને પાંચમી વિકેટ માટે 196 રનની
ભાગીદારી કરી હતી. હોપે 15 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 234 બોલમાં
140 રનનું
યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડને ચોથી ઈનિંગ્સમાં ફાસ્ટ બોલર મેટ હેનરી અને નાથન
સ્મિથની ખોટ પડી હતી. હેનરી ઈજાનાં કારણે માત્ર 11 ઓવર બોલિંગ કરી શક્યો હતો, જ્યારે સ્મિથ ઈજાનાં
કારણે રમી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડે ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં પહેલી
ઈનિંગ્સમાં 231 રન કર્યા હતા, જ્યારે વિન્ડિઝ પહેલી
ઈનિંગ્સમાં 167 રન જ કરી શક્યું હતું, જેનાથી કિવી ટીમને 64 રનની
સરસાઈ મળી હતી. બાદમાં ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગ્સ આઠ વિકેટનાં નુકસાને 466 રન
બનાવીને ઘોષિત કરી હતી. રચિને 185 બોલમાં 176 રન
કર્યા હતા, જ્યારે
ટોમ લેથમે 145 રન કર્યા હતા, જ્યારે કેમાર રોશે પાંચ
વિકેટ પોતાનાં નામે કરી હતી.