નાગપુર તા.3: ટી-20 સિરીઝની
સમાપ્તિ બાદ હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 મેચની
વન ડે શ્રેણી ટકકર થશે. આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીને લઇને આ વન ડે શ્રેણી
બન્ને ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. ટીમ ઇન્ડિયા ગત ઓગસ્ટ બાદ પહેલીવાર વન ડે
ફોર્મટ રમવા મેદાનમાં ઉતરશે. ત્યારે ખાસ કરીને કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર વિરાટ
કોહલીનું ફોર્મ રડાર પર રહેશે. જે પાછલ ઘણા સમયથી ફોર્મ વાપસી માટે સંઘર્ષ કરી
રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડે 3 મેચની આ વન ડે શ્રેણીમાં એ જ ટીમ
ઉતારી છે જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની છે. ભારતીય ટીમમાં માત્ર જસપ્રિત બુમરાહ
સામેલ નથી. તેના સ્થાને આ શ્રેણીમાં હર્ષિત રાણા રમવાનો છે. બન્ને દેશની ટી-20 અને વન
ડે ટીમમાં ઘણા ફેરફાર છે. ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, રવિ
બિશ્નોઇ, વરૂણ ચક્રવર્તી, શિવમ દૂબે,
રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ વન ડે સિરીઝમાં જોવા
મળશે નહીં. કુલદીપ યાદવ અને શ્રેયસ અય્યરની લાંબા સમય પછી ટીમ ઇન્ડિયામાં વાપસી
થશે. યશસ્વી જયસ્વાલ વન ડે ટીમમાં પહેલીવાર સામલે થયો છે. ઇંગ્લેન્ડની ટીમ પણ
બદલાઇ ગઇ છે. સ્ટાર જો રૂટ સહિતના કેટલાક અનુભવી ખેલાડીઓની વાપસી થઇ છે. નાગપુરમાં
ટીમ ઇન્ડિયા 2019 પછી પહેલીવાર વન ડે મેચ રમશે.
અહીંની પિચ સ્પિનરોને મદદ કરે છે. ટીમમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ
યાદવ છે. આ ત્રણમાંથી કોઇ બે તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની 4-1થી ટી-20 શ્રેણી
જીતને લીધે ભારતીય ટીમનું મનોબળ મજબૂત છે અને ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉની આ વન ડે
શ્રેણીમાં તે ઇંગ્લેન્ડ સામે કલીનસ્વીપના ઇરાદે ઉતરશે. પહેલો મેચ નાગપુરમાં
ગુરુવારે રમાશે. બીજો મેચ રવિવારે કટકમાં અને આખરી મેચ અમદાવાદમાં 12મીએ
બુધવારે રમાશે. ત્રણેય મેચ બપોરે 1-30થી શરૂ થશે.