ભુજ, તા. 23 : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગાના હસ્તે કોટડા (ઉગમણા)થી કોટડા (આથમણા) ચકારને જોડતા રૂા. 355 લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત
સંપન્ન થયું હતું. સાંસદ વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિત ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં
સુશાસન તથા લોકકલ્યાણના માર્ગ પર ચાલીને જનતાના અટકેલાં કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવામાં
આવી રહ્યાં છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પુલ
નિર્માણનું આ કાર્ય ગ્રામીણ જનજીવન અને અવરજવર માટે રાહતરૂપ સાબિત થશે. આ પ્રસંગે ગ્રામજનોને
ગામના સામૂહિક વિકાસમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ,
કોટડા (આથમણા)ના સરપંચ નર્મદાબેન માકાણી, કોટડા
(ઉગમણા)ના સરપંચ મોહનભાઇ ગરવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના
ચેરમેન વાઘજીભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઇ ચાવડા,
તાલુકા પંચાયત સદસ્ય ધારાબેન માકાણી, વિકાસભાઇ
રાજગોર, મનસુખભાઇ માકાણી, ફકીરમામદ ચાકી
સહિત ઉપસ્થિત રહ્યા હતા.