• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

`એ' સ્મારકના દરજ્જાથી ધોળાવીરાના વિકાસમાં છોગું

ગાંધીધામ, તા. 3 : વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય સંસ્કૃતિના પુરાતત્ત્વીય સ્થળ ધોળાવીરાને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા કેટેગરી-એ સ્મારકનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતાં વાગડ સહિત કચ્છ ગૌરવાન્વિત થયું છે. કેન્દ્ર સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપનને લગતા નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થશે. એએસઆઈ કેટેગરી-અમાં સમાવેશ થતાં ધોળાવીરાના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાનાં સંરક્ષણ માટે વધુ કડક વ્યવસ્થા અમલમાં આવશે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવાં બાંધકામ પર નિયંત્રણ રહેશે, જ્યારે નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી બનશે. આ ઉપરાંત સ્મારક વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કે પુરાતત્ત્વીય વારસાને નુકસાન પહોંચાડવા સામે નિયમો મુજબ કાર્યવાહી થઈ શકશે. મુલાકાતીઓ માટેની સુવિધાઓ તથા પ્રવેશ વ્યવસ્થાને પણ નવા નિયમો મુજબ વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે. ધોળાવીરાને મળેલા આ દરજ્જાથી કચ્છના ઐતિહાસિક વારસાને રાષ્ટ્રીય સ્તરે વધુ મહત્ત્વ મળવાની સાથે પ્રવાસન અને પુરાતત્ત્વીય સંશોધનને પણ વેગ મળવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, આનાથી ધોળાવીરાના વિકાસમાં એક છોગું ઉમેરાયું છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આવાગમન વધશે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ધોળાવીરાના માળખાકીય વિકાસમાં પ્રયત્નશીલ હોવાનું જણાવી 66 કેવી સબસ્ટેશન ચાલુ થઈ જતાં વીજળીની અને 550 કરોડના ખર્ચે સુવઈથી ખડીરની પાણી યોજના શરૂ થઈ જતાં લાઈટ અને પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના પ્રયત્નોથી આ યોજનાનું ટૂંક સમયમાં જ ટેન્ડીરિંગ થયું હોવાનું કહ્યું હતું. તો ધોળાવીરા અને ખડીરના વિકાસમાં ખૂટતી કડી બેકિંગ સેવા હોવાનું સરપંચે ભારપૂર્વક જણાવ્યું હતું.  રોડ ટુ હેવન, સાંતલપુર-ઘડુલી, એકલ બાંભણકા જેવા મુખ્ય માર્ગોને જોડતા જનાણથી બાંભણકા, એકલથી ભરૂડિયા, કુડા જેવા અંતરિયાળ માર્ગો બનાવવા જરૂરી હોવાનું જણાવી કાઢવાંઢથી જુણા- સાધારા-ઢોરી માર્ગ બની જાય, તો હજી જિલ્લા મથક વિશ્વ વારસાથી 20 કિલોમીટર નજીક આવી શકે તેમ જણાવ્યું હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસાવવા તંત્ર થોડું પ્રેક્ટિકલ બને અને પેકેજ 1-2 સાથે જ અન્ય કામો ચાલુ કરી દે, તો કામોમાં ઝડપ આવે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઓછો વરસાદ પડવાથી રણમાં સફેદી જલદી આવી જવાથી આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધુ રહેશે. ગત વર્ષે 3.5 લાખ પ્રવાસીઓએ હેરિટેજ સાઈટની મુલાકાત લીધી હતી, જે આ વર્ષે 4.5 લાખથી વધુ લોકો ધોળાવીરાની મુલાકાતે આવવાનો અંદાજ હોવાનું તેમણે  ઉમેર્યું  હતું. - વારસા આધારિત પ્રવાસન, પુરાતત્ત્વીય સંશોધનને વધુ વેગ મળશે : ભુજ, તા. 3 : કચ્છની ઐતિહાસિક ધરોહર અને વિશ્વવિખ્યાત હડપ્પન સંસ્કૃતિના પુરાતત્ત્વીય સ્થળ ધોળાવીરાને દેશના અતિમહત્ત્વના સ્મારકોની `કેટેગરી-એ' શ્રેણીમાં સ્થાન આપવામાં આવતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ નિર્ણયને આવકારી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદે જણાવ્યું હતું કે, અમૂલ્ય ધરોહર ધોળાવીરાને આ દરજ્જો મળવો સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. ધોળાવીરાને મળેલું આ રાષ્ટ્રીય મહત્ત્વ કચ્છમાં વારસા આધારિત પ્રવાસન, પુરાતત્ત્વીય સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની તક ઊભી કરશે. દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ધોળાવીરાનું આકર્ષણ વધુ વધશે. નવા દરજ્જા સાથે ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં મદદ મળશે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય બદલ સાંસદે પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનો આભાર વ્યક્ત કર્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd