• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

પાવરપટ્ટીના ડુંગરોમાં ભેદી રોગ 50 થી વધુ ઊંટોને ભરખી ગયો

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી) તા.3 : પાવરપટ્ટીની દક્ષિણે ડુંગરોની લાંબી હારમાળમાં ચરિયાણ માટે વિચરતા સેંકડો ઊંટોમાં ભેદી ચેપી રોગચાળાની ઝપટમાં અનેક ઊંટો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. હજી પણ અને ઊંટો આ રોગમાં સપડાયેલાં હોઈ માલધારીઓ તેને બચાવવા દોડધામ આદરી છે. ભાદરવા માસના પ્રારંભે મેઘ મહેર થયા પછી પાવરપટ્ટીના દક્ષિણે ફેલાયેલ લાંબી ડુંગરોની હારમાળાના વિસ્તારમાં ચરિયાણનો માહોલ સર્જાતાં ભચાઉ, ધ્રંગ, લોડાઈથી માંડી પશ્ચિમે ગરડા પંથકના ઊંટ સાથે સંકળાયેલા અનેક  પશુપાલક પરિવારો મેડિસર, ખુડીવાળા શંકર, ઉલટ, ભાણાસર રખાલ, દેવીસર પાસે  ભૂખી ડેમની આસપાસ ઊંટ સાથે સંકળાયેલા માલધારીઓના પરિવારો બાળ-બચ્ચાં સાથે ઉતરી પડયા છે. 700થી 800 જેટલા ઊંટો ચરિયાણ માટે વિચરી રહ્યાં છે. છેલ્લા એકાદ માસથી આ મોટા પશુઓમાં કોઈ અજાણ્યાં ચેપી રોગે દેખા દીધા પછી અનેક ઊંટો ટપોટપ મોતને શરણે થઈ રહ્યા છે. બાળ ઊંટોમાં આ જીવલેણ બિમારીનો વ્યાપ મોટો છે. અત્યાર સુધી 50થી પણ વધુ ઊંટો આ બિમારીનો ભોગ બની ચૂક્યા છે. પોતાના અબોલા જીવોને મોતના મુખમાંથી બચાવવા માલધારીઓ ભારે દોડધામ આદરી છે. - માલધારીઓ ચિંતિત : ભયંકર બિમારીની જાણ થતાં આજે કચ્છમિત્રની ટીમ ભૂખી ડેમની દક્ષિણે ડુંગરાળ પ્રદેશમાં માલધારીઓ પાસે પહોંચી ત્યારે અહીં ડુંગરોની નાની-મોટી ટેકરીઓ વચ્ચે ગરડા પંથકના ઊંટ સાથે સંકળાયેલ જત માલધારીઓ પોતાના પરિવારો સાથે ખુલ્લામાં પડાવ નાખેલા જોવા મળ્યા હતા. માલધારી જુસબભાઇ જત દવાની શીશીઓ અને ઇન્જેક્શન લઇ ઊંટોના ટોળાં તરફ જતા નજરે ચડયા હતા. જુસબભાઇ જતને ઊંટોમાં આવેલી બિમારી અંગે પૂછતાં જણાવ્યું હતું કે, આ બિમારી થોડી થોડી તો છેલ્લા દોઢેક માસથી દેખાઇ છે. પરંતુ છેલ્લા દશ-બાર દિવસથી તેનો ઉપાડો મોટો છે. અત્યાર સુધી આ વિસ્તારમાં 40 જેટલા નાના-મોટા ઊંટો મોતમાં ધકેલાઇ ચૂક્યાં છે. વધુમાં આ માલધારીના કહેવા પ્રમાણે ઊંટ આ બિમારીમાં સપડાયા પછી શરૂઆતમાં ઉધરસ થયા પછી નાકમાંથી પાણી વહે છે. ઊંટ બેચેની અનુભવી ખાવા-પીવાનું છોડી દે છે. થોડા દિવસ પછી ઊંટની જીભ અને હોઠ પર મોટા ચાંદા પડી જતાં બિમારીમાં ઘેરાઇ મોતને ભેટે છે. કેટલાક ઊંટો તો આ બિમારીના કારણે અંધ બની ગયા હોવાનું આ માલધારી જણાવે છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી આ બિમારી મોટા ડાઘા કરતાં બાળ ઊંટોને વધુ ઘેરી વળી છે. આ બિમારી ચેપી હોઇ ઝડપથી ફેલાઇ રહી છે, જેને લઇ આ ચેપવાળા ઊંટોને અન્ય ઊંટોથી અલગ રાખવામાં આવ્યા છે. - દવા-ઇન્જેક્શન અસર કરતા નથી : સારવાર બાબતે આ માલધારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે શિયાળાની શરૂ થતી સિઝનમાં ન્યુમોનિયા જેવી બિમારી જોવા મળે છે, જેને નાબૂદ કરવા એ અંગેના જરૂરી ઇન્જેક્શન આપ્યા પછી બિમારી નાબૂદ થતી હોય છે. પરંતુ આ રોગ આવા ઇન્જેક્શનોને પણ ગણકારતી નથી. વડીલો પણ આ બિમારીથી ભારે દુ:ખી છે. કેટલાક અમારા માલધારીઓ દયાપર સુધી દોડીને દવા લાવ્યાં છે, તે પણ દવા અસર કરતી નથી. દરમ્યાન, વિસ્તારમાં આ બિમારીના ચેપવાળા દશેક બાળ ઊંટોને અલગ બાંધી રાખવામાં આવ્યા હતા. જહેના મોઢા પર ઉપસેલાં ચાંદાને લઇ આખું મોઢું પાકી જતાં લોહી-લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. - કેટલાક ઊંટ લાપતા બન્યા : મેડીસર નજીક ધ્રંગ-લોડાઈ પંથકના કેટલાંક પરિવારો 150 જેટલાં ઊંટો સાથે પડાવ નાખ્યો છે. આ માલધારીઓના અગ્રણી હીરાભાઈ રબારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ બિમારીમાં અમારા નાના-મોટાં 10 ઊંટો મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે જ્યારે અન્ય 12 જેટલા ઊંટો છેલ્લા આઠેક દિવસથી આ બિમારીમાં સપડાયા પછી આ પહાડી પંથકમાં લાપતા બન્યાં છે જેની ભાઈ આજ સુધી મળી નથી. - પશુપાલન વિભાગે અનદેખી કરી એટલે બિમારી વકરી : પાવર પટ્ટી પંથકના ડુંગરોમાં પરિયાણ માટે વિચરતા ઊંટોમાં આવેલ જીવલેણ બિમારીને નાથવા પશુપાલન વિભાગને જાણ છતાં ગંભીરતા ન દાખવતાં માલધારીઓને મોટું નુકશાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉલટથી લઈ ભૂખી ડેમ વિસ્તારમાં વિચરતા જત માલધારીઓના આરોપ મુજબ ઊંટોમાં લાંબા સમયથી ચાલતી બિમારી અંગે પંથકના નિરોણા સ્થિત પશુ આરોગ્ય કેન્દ્રને જાણ કરતાં રહી-રહીને છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં ગણ્યાં ગાંઠયા ઊંટોને ઈન્જેકશન આપી ચાલ્યા ગયા પછી આજ સુધી પુછા નથી કરી તેવા આક્ષેપ કર્યા છે. તો મેડીસર પાસેના રબારી માલધારીઓ ઢોરીના પશુ દવાખાનાનો સંપર્ક કરવાનું જણાવી હાથ ઉંચા કરી દઈ ભેદી જીવલેણ બીમારીને ગંભીર ન ગણતાં મોટી સંખ્યામાં કિમતી પશુઓ મોતને ભેટયા હોવાનું માલધારીઓ કહે છે. આજે પણ અનેક ડાઘા આ રોગમાં સપડાયેલા છે ત્યારે વહેલામાં વહેલી તકે જિલ્લાનું પશુપાલન વિભાગ આ ભેદી રોગનો નિદાન કરી યોગ્ય સારવાર હાથ ધરે તો મોતના મુખમાં ધકેલાતાં વધુ ઊંટોના જીવ બચી શકે તેમ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd