• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

કચ્છી સંગીતકારના બે આલ્બમ ગ્રેમી એવોર્ડ માટે સ્વીકારાયા

ભુજ, તા. 3 : જાણીતા કચ્છી સંગીતકાર કીર્તિ વરસાણી અને હરગુન કૌરના બે સંગીત આલ્બમ સરેન્ડર અને ચાંદલિયો વિશ્વ વિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે સ્વીકારવામાં આવ્યા છે. કચ્છમાંથી પ્રથમ વખત આ ઉચ્ચ પુરસ્કાર માટે રચનાઓ માન્ય રખાઇ હોવાની ઘટના સંગીત ઇતિહાસમાં અનન્ય સિદ્ધિ સમાન છે. આ અંગે વિશેષ માહિતી આપતાં કીર્તિભાઇ કહે છે કે, ગ્રેમી એવોર્ડઝ માટેનો ક્રાઇટેરિયા 20 ઓગસ્ટ સુધી રિલીઝ થયેલા સંગીત આલ્બમને સ્વીકારવાનો હોય છે. મારા આ બંને આલ્બમ જુલાઇ 26માં રિલીઝ થયા છે અને સ્પોટીફાઇ, યુ-ટયુબ મ્યુઝિક સહિતના પ્લેટફોર્મ પર લોકપ્રિય થયા છે. તેમણે આગળની પ્રક્રિયા વિશે કહ્યું કે, હવે  350 જેટલા એક્સપર્ટ દુનિયાભરમાંથી આવેલી એન્ટ્રીઓ 12 ઓક્ટોબર સુધી તપાસ કરશે. નિર્ધારિત માળખામાં ફિટ ન બેસે તેવી કૃતિ કાઢી નાખશે, તે પછી દુનિયાના બાર હજાર વોટિંગ મેમ્બર નોમિની પસંદ કરશે. નોમિની પસંદગી પછી ફરી એકવાર વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને ફેબ્રુઆરીમાં ફાઇનલ પસંદગી જાહેર થશે. આથી અગાઉ ગુજરાતમાંથી આદિત્ય ગઢવીની કૃતિને સ્વીકારવામાં આવી હતી. દેશમાં આ પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ મેળવનારા સર્જકોમાં પં. રવિશંકર, એ. આર. રહેમાન, શંકર મહાદેવન, ઝાકીર હુસેન, રાકેશ ચોરસિયા, પં. વિશ્વમોહન ભટ્ટનો ઉલ્લેખ કરી શકાય. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd