ભુજ, તા. 3 : જૂનાગઢ પાસે ગીરના જંગલોમાં
દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો સિંહ દર્શન કરવા જીપ્સી સફારી કરતા હોય છે અને
ઓનલાઇન બુકિંગ વ્યવસ્થામાં પડાપડી થતી હોય છે ત્યારે આવનારા દિવસોમાં ધુણઇ પાસે `લેપર્ડ-લાયન સફારી' કરાવવાની તૈયારીઓ કચ્છના વન વિભાગ દ્વારા ચાલી
રહી છે. લખપત તાલુકાના ધુણઇ જંગલમાં દીપડા માટે ખાસ સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં
આવ્યું છે, જેમાં 13 હિંસક પ્રાણી આવી ચૂકયાં છે જ્યારે જંગલના રાજા સિંહોને પણ લાવવાનો
તખતો ઘડાઇ રહ્યો છે તેવી વિગતો `કચ્છમિત્ર'ને મળી
હતી. પશ્ચિમ કચ્છમાં પ્રવાસનની સાઇકલ બનાવવાના ભાગરૂપે લખપત તાલુકાના કનોજ ગામના
બસ સ્ટેશન પાસેથી ધુણઇ સીમમાં જવાય છે, જ્યાં દીપડાનો ભયાનક અવાજ
સંભળાતો હોય છે. સફારી કયારે થઇ શકશે આ સવાલનો જવાબ આપતાં નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરે
જણાવ્યું હતું કે મોટા ભાગની તૈયારીઓ કરી લેવાઇ છે. `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં શ્રી ઠક્કરે જણાવ્યું હતું
કે, ધુણઇ સીમ વિસ્તારમાં 275 હેકટરને ફરતે ફેન્સિંગ કરી
લેવામાં આવ્યું છે. દીપડાને રહેવા માટે નિવાસસ્થાન,
ખોરાક વગેરેની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. - મંજૂરીની રાહ જોઇએ છીએ : ભારત સરકાર તરફથી પરવાનગીની રાહ જોવાય છે.
મંજૂરી આવે પછી દીપડા છૂટા મૂકવામાં આવશે, અત્યારે ખાસ પ્રકાના પિંજારાઓમાં 13 દીપડા હાજર છે. વધારાના બહારથી આવશે. - સિંહ પણ આવશે : અહીં સફારી કરાવવી હોય તો માત્ર દીપડા જ
નહીં, સિંહ દર્શન પણ થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવાઇ રહી
છે. સિંહોનો વિસ્તાર પણ નક્કી કરી લેવાયો છે. એક પ્રકારે ગીર જેવા જંગલ સફારીનું વાતાવરણ
ઊભું કરવામાં આવશે. - જીપ્સી સફારી
: જેમ ગીરમાં જીપ્સી સફારી કરાવીને સિંહ સહિતના
જંગલી પ્રાણીઓ જોવા મળે છે એવી જ રીતે આવનારા ટૂંક સમયમાં ધુણઇ સફારીમાં દીપડા, સિંહ, ચિંકારા,
કાળિયાર સહિતના તૃણાહારી પ્રાણીઓ જોવા મળશે. - 15 કરોડની માગણી : પ્રવાસીઓની વ્યવસ્થા માટે પ્રાથમિક સગવડો
વિકસાવવા રાજ્યના પ્રવાસન વિભાગ પાસેથી રૂા.
15 કરોડની ગ્રાન્ટ માગવામાં આવી
છે, જેમાંથી પ્રાથમિક સગવડો ઊભી કરાશે અને અહીંની
સફારી માટે ઓનલાઇન બુકિંગ થાય તેવું અમારું આયોજન છે એવું ડીએફઓએ જણાવ્યું હતું. - સલામતી શું ? : અહીં નવી
સફારી થાય અને જે રીતે દીપડા છે એ હિંસક પ્રાણી છે. માણસો ઉપર હુમલો કરી શકે છે, તો સલામતી માટે વ્યવસ્થા છે ? આ સવાલ સામે તેમણે જણાવ્યું
હતું કે, સલામતીને પૂરતી અગ્રતા આપવામાં આવશે અને ટ્રેકર વગેરે
રાખવામાં આવશે. હવે દીપડા પણ તાલીમ લઇ રહ્યા છે એટલે હુમલો કરી શકે નહીં તેવો બંદોબસ્ત
હશે. - 100 હેકટરમાં વૃક્ષો : અહીં અત્યાર સુધી જંગલમાં ગાંડા બાવળનું
સામ્રાજ્ય હતું. ગાંડા બાવળો દૂર કરી છેલ્લા લાંબા સમયથી પ્રાકૃતિક જંગલ બનાવાઇ રહ્યું
છે. 100 એકરમાં વૃક્ષોનું વાવેતર કરાયું
છે અને વૃક્ષોને ઘટાદાર થતાં સમય લાગે એટલે આગતરું આયોજન ગોઠવાયું હતું. - રોજગારી પણ મળશે : જે રીતે પ્રવાસનને વેગ મળે છે ત્યાં સ્થાનિક
રહેવાસીઓને રોજગારીની તકો મળતી હોય છે. અહીં આવનારા સમયમાં લેપર્ડ-લાયન સફારી શરૂ થશે
તો આસપાસના નાગરિકોને રોજગારી મળશે એ નિશ્ચિત છે.