ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ મહાનગરપાલિકામાંથી
પીએમસી એજન્સીને પ્રમાણપત્ર ઇશ્યૂ કરવાના મામલામાં ઘણો લાંબો સમય વીતી જવા છતાં વહીવટી
તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં વિપક્ષના નેતા દ્વારા ધારાશાસ્ત્રી
મારફતે મ્યુનિસિપલ કમિશનરને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. 48 કલાકમાં બોગસ દસ્તાવેજ બનાવનારી
વ્યક્તિની ઓળખ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે,
નહીંતર પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકામાં એક્ઝિક્યુટિવ એન્જિનીયરની પોસ્ટ
નથી તેમ છતાં મેઘપર બોરીચીમાં પાણી, ડ્રેનેજ પ્રકલ્પના મામલામાં
આઉટસોર્સિંગથી ભરતી થયેલા એન્જિનીયર દ્વારા સહી સિક્કા કરીને પીએમસીને કરોડો રૂપિયાની
કામગીરીનું પ્રમાણપત્ર(3-એ) આપવામાં
આવ્યું હતું. પીએમસી એજન્સીએ દેહરાદૂનમાં કરોડો
રૂપિયાના પ્રકલ્પમાં ટેન્ડર ભર્યું હતું, તેમાં મહાનગરપાલિકામાંથી મળેલું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું, જેના પગલે દેહરાદૂન પેયજળ વિભાગ દ્વારા ક્રોસ વેરિફિકેશન માટે મહાનગરપાલિકાને
ઇ-મેલ કર્યો હતો, જેના પગલે આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. ત્યારપછી
વિપક્ષી નેતાઓએ સામાન્ય સભામાં મુદ્દો ઊઠાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરાએ તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને
સોંપી હતી અને 15 દિવસમાં રિપોર્ટ
આપવા માટે કહ્યું હતું, પરંતુ હજુ
સુધી આ મામલામાં રિપોર્ટ થયો નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી, ખાસો
લાંબો સમય વીતી જવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. જેના પગલે વિપક્ષના નેતા ભરતભાઈ
ગુપ્તા દ્વારા ધારાશાસ્ત્રી બ્રિજેશ સોલંકી મારફતે મ્યુનિસિપલ કમિશનરને લીગલ નોટિસ
આપી છે અને તેમાં 48 કલાકમાં આ
બાબતે લેખિત ખુલાસો કરીને બોગસ દસ્તાવેજ બનાવનારી વ્યક્તિની ઓળખ કરીને તમામ જવાબદારો
સામે કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે જો આવું નહીં થાય, તો પ્રાઇવેટ એફઆઇઆર દાખલ કરવાની પણ ચેતવણી આપી
છે. ખરેખર આ મામલો ગંભીર છે, મ્યુનિસિપલ કમિશનરે પગલાં ભરવા જરૂરી
બન્યાં છે નહીંતર ભવિષ્યમાં કોઈ પણ આઉટસોર્સના ઈજનેર અધિકારીઓના સિક્કાનો ઉપયોગ કરીને
કોઈ પણને પ્રમાણપત્ર આપી શકે છે ને અન્ય કૌભાંડ પણ કરી શકે તેવી ભીતિ ઊભી થઈ છે. - નાયબ મ્યુનિસિપલ
કમિશનરની ઢીલાશથી સવાલો ઊઠયા : મહાનગરપાલિકાનો
વહીવટ ખાડે જઈ રહ્યો છે. આ પ્રમાણપત્રના મામલાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય
રામાનુજ પાસે છે, 15 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, પરંતુ હજુ સુધી આ મામલામાં કોઈ રિપોર્ટ અપાયો
ન હોવાનું સામે આવ્યું છે. માનીતા કર્મચારીઓને છાવરતાં હોવાના ગંભીર આક્ષેપો છે. તપાસ
અને રિપોર્ટ આપવા માટે ઢીલાશનાં પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનર ઉપર અનેક સવાલો ઊઠયા છે.
નિવૃત્તિને બહુ ઓછો સમય બાકી હોવાથી તેમણે કામગીરીઓમાં ધ્યાન આપવાનું પણ ઓછું કર્યું
હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.