નવી દિલ્હી, તા. 3 : ભારતીય લોકતંત્રની
પાલક કહી શકાય તેવી સંસ્થા ચૂંટણીપંચ અને તેના વડા સામે વિરોધની આગ બેકાબૂ બની છે. ગઈકાલે શુક્રવારે દિલ્હીના જંતરમંતરથી માંડીને મુંબઈમાં
શિવાજી પાર્ક સુધી દેખાવો બાદ બીજા દિવસે શનિવારે એઆઈએસએ અને ડાબેરી સંગઠનોએ પણ વિરોધ
પ્રદર્શનો કર્યા હતા. જંતરમંતર પર દેખાવો વચ્ચે મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં શુક્રવારે
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) યોજિત વિરોધ પ્રદર્શન મામલે આયોજકો તેમજ લગભગ 500 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર
નોંધી હતી. એફઆઈઆર નોંધાયા બાદ સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું હતું કે, કેસ નોંધાયો છે, છતાં
પણ અમારું આ આંદોલન જારી રહેશે. દીપકેએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, 10મી ઓક્ટોબરના દિલ્હીમાં વિશાળ સંખ્યામાં
ભારતીય યુવાનો એકઠા થશે. દિલ્હી પોલીસે પ્રદર્શન કરી રહેલા છાત્રો અને કાર્યકરો વિરુદ્ધ
કાર્યવાહી રોકવી જોઈએ તેવું સીજેપી સ્થાપકે કહ્યું હતું. મુંબઈમાં પોલીસની એફઆઈઆરમાં
સીજેપીના સ્થાપક અભિજિત દીપકે ઉપરાંત આશુતોષ રાંકા,
સૌરવ દાસ, આફરીન નવાજ, સૌમ્યા
કોરડે , વિજય મલાંગી, અંકિત ભારદ્વાજ સહિત
નેતાઓનાં નામ છે. મોટી સંખ્યામાં ઊમટેલા પ્રદર્શનકારીઓના ઉગ્ર દેખાવો વચ્ચે પોલીસે
આજે 150થી વધારે દેખાવકારોની અટક કરી
હતી. દિલ્હી પોલીસે જંતરમંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના
મામલામાં ત્રણ એફઆઈઆર પણ કરી હતી. પોલીસે એઆઈએસએના નેહા બોરા, યોગેન્દ્ર યાદવ સહિત દેખાવકારો પર કાબૂ મેળવવા
તેમને બેરિકેડ ઓળંગતા કે ઉગ્ર દેખાવો કરતા રોક્યા હતા.