ભુજ, તા. 3 : કચ્છના બહુ ઓછા પ્રચલિત સ્ત્રી
ચરિત્રોને આજની પેઢી જાણે તે માટે લેખિકાના પ્રયાસો ખૂબ પ્રસંશનીય અને ભાવિ અને વર્તમાન
સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે, ભુજમાં
યુવા લેખિકા પૂર્વી ગોસ્વામીના અંગ્રેજી પુસ્તક `ગોલ્ડન ફલેમ્સ'નું વિમોચન કરતા પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ
સુંડાએ આ પ્રમાણે સૂર વ્યક્ત કર્યો હતો. ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે ઓશન ગ્રુપ સંચાલિત
યૂથ ઉપનિષદ બુક સ્ટોરમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રસંગ અનુરૂપ બોલતાં શ્રી સુંડાએ કહ્યું
કે, આજના એઆઈના યુગમાં આ રીતે પુસ્તકોના માધ્યમથી છેવાડે રહીને
ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલા રત્નોને ખૂબ સરળ અને સચોટ રીતે ઉજાગર કરવા તે ખૂબ ઉમદા
કાર્ય છે. તેમણે 1968ના સત્યાગ્રહને
યાદ કરીને કહ્યું કે આ ચળવળમાં પ્રથમ હરોળથી લઈ અંતિમ હરોળના લોકોએ ભાગ લીધો હતો ત્યારે
પૂર્વીબેનના અન્ય એક પુસ્તક `સરહદી કચ્છની
વીરાંગનાઓ' ખૂબ ઝીણવટભરી રીતે મહિલાઓના
પ્રદાનની તેમાં નોંધ લીધી હતી. ખાસ અતિથિ આસામ સરકારના નિવૃત્ત સેક્રેટરી મહાદાનંદા
હઝારિકાજીએ દેશના પૂર્વ અને પશ્ચિમ છેડાની રાષ્ટ્રભાવનાની વાતનો ઉલ્લેખ કરી લેખિકાના
ઉત્તમ પ્રદાનની નોંધ લીધી હતી. કાર્યક્રમના અન્ય વિમોચનકર્તા એવા રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ ખેતાણીએ કહ્યું કે, પૂર્વીબેનના
આ પ્રયાસે અતિમહત્ત્વના વ્યક્તિ ચરિત્રોની નોંધ લઈ ઉત્તમ દસ્તાવેજ પૂરો પાડ્યો છે જેની
ઈતિહાસ નોંધ લેશે. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મહત્ત્વનો સહયોગ યૂથ ઉપનિષદ બુક સ્ટોરના
ફાઉન્ડર અને ઓશન ગ્રુપના દીપકભાઈ વાઘાણીનો રહ્યો હતો. સ્મૃતિવનના મુખ્ય સંચાલક મનોજભાઈ
પાંડે તેમજ તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. પોલીસ વડા શ્રી સુંડાના પત્ની,
પ્રકાશક વીઆરટીઆઈના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો કાંતિ ગોર, નારણ
ચુડાસમા, જાગૃતિબેન વકીલ, નેહાબેન મહેતા,
ગીતાબેન ગોર, રામજીભાઈ વેલાણી, દૈવતાસિંહ જાડેજા, ખુશ્બૂબેન ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તકના લેખિકાએ પુસ્તક લેખન યાત્રાનો ઉલેખ્ખ કરી તેમાં સહયોગ આપનાર સર્વેનો આભાર
માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન
શુક્લે કર્યું હતું.