મુંબઈ, તા. 3 : વિવિધલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમોના
ગુણવત્તાસભર આયોજન માટે ખ્યાતનામ નેહરુ સેન્ટર, મુંબઈ દ્વારા `સંતવાણી'નું આયોજન કરવામાં આવ્યું હતું. લાલ રાંભિયાની
સંકલ્પના મુજબ એલ.એલ.ડી.સી. - કચ્છના ઉપક્રમે 11 કચ્છી કલાકારોએ ગુજરાતી, કચ્છી, હિન્દીમાં ભજનો
અને સૂફી કલામ રજૂ કર્યા જે પ્રેક્ષકોએ મનભેર માણ્યા હતા. નેહરુ સેન્ટરના નિયામક ડો.
ચંદ્રકાંત રાણે, સંગીતકાર પદ્મશ્રી આણંદજીભાઈ, ઉસ્તાદ ગનીભાઈ લંગા, નવીન ગડા અને લાલ રાંભિયા દ્વારા
દીપ પ્રાગટય કરાયું હતું. ફકા ભગત અને રામીબેન ભગત દ્વારા ગણેશવંદના કર્યા બાદ ઉસ્તાદ
ગનીભાઈ લંગા અને શબ્બીર લંગા દ્વારા નોબત અને શરણાઈના મંગલ ધ્વનિથી ઓડિટોરિયમ ગુંજી
ઊઠયું હતું. ગાંધીજીને પ્રિય, નરસિંહ મહેતા રચિત ભજન `વૈષ્ણવ જન તો તેને રે કહીએ' પૂજા પરમાર/જેઠીએ રજૂ કર્યું હતું. શાહ અબ્દુલ
લતીફ ભિટાઈની `સૂર રીપ'થી શ્રોતાઓ કચ્છી સંગીતની અસલ પરંપરાથી અવગત
થયા હતા. ગાયક પ્રશાંત કાલુંપ્રેકરે પ્રસ્તુત કરેલ `અવજે ગરજે પંઢરપૂર' અને `માજે માહેર પંઢરી'થી શ્રોતાઓ ઝૂમી ઊઠયા હતા. જિજ્ઞેશ ગઢવીએ `મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ'થી એની સુરીલી ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સંચાલનના
પ્રવાહમાં ક્રમે ક્રમે રજૂ થયેલ `વીજળીના ચમકારે', કહે તોરલ સંભાળ, પાપ તારું પરકાશ વગેરેને શ્રોતાઓની વાહવાહી
મળી હતી. કાર્યક્રમની તકનીકી વ્યવસ્થા મૂલચંદ
લાલન, ધૈવત રાંભિયા અને એલ.એલ.ડી.સી.ની યુવા ટીમના ધરમ ઠક્કર,
રિદ્ધી ગોસ્વામી અને નિશા ધોળકિયાએ સંભાળી હતી.