કનૈયાલાલ જોશી તરફથી : મુંબઇ, તા. 2 : જૈન યૂથ ફોરમ (જેવાયએફ) અને
`કચ્છમિત્ર' યોજિત `વ્યાપાર ઉત્સવ'ની મુલાકાત લીધી ? ન ગયા
હો તો જરૂર જશો, નહીંતર તક ચૂકી ગયાનો અફસોસ થશે. મુંબઇના વરલીમાં
નેહરુ સેન્ટરમાં આ વ્યાપાર ઉત્સવનું ભવ્ય આયોજન થયું છે. ઓડિટોરિયમમાં નિતનવા કાર્યક્રમો
યોજાય છે, તો ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર કુલ 150 સ્ટોલનું વિશાળ બજાર છે, જ્યાં તમને ભાગ્યે જ જોવા મળે તેવી વસ્તુઓ અને
વૈવિધ્ય હાજર છે. કચ્છના કારીગરો પોતાના હાથવણાટ અને બનાવટની વસ્તુઓ લાવ્યા છે,
જેમાં બાંધણી, ડ્રેસ મટીરિયલ, બ્લાઉસ વગેરે ઉપરાંત ખાણીપીણીની વસ્તુઓ, વાસણો,
શણગારની કળાત્મક આઇટમ, એસ્ટેટ કન્સલ્ટન્ટ,
આર્ટ સ્ટુડિયો, ગિફ્ટ પેકેજિંગ સહિતના સ્ટોલ્સ
છે. - લોકોનો ઉત્સાહ ઊમટયો : વ્યાપાર ઉત્સવના
પહેલા જ દિવસે લોકો ઊમટી પડયા. દરેક સ્ટોલ પર લોકો ઊભા રહીને વસ્તુની ખરીદી માટે રસ
લેતા દેખાયા, ચાલુ દિવસ હોવા છતાં લોકોની
હાજરી ખરેખર પ્રશંસનીય કહેવાય. જેવાયએફના કાર્યકર્તાઓ મુલાકાતીઓને માર્ગદર્શન આપતા
હતા. - કંડલા પોર્ટ ટ્રસ્ટ : અહીં બધા સ્ટોલ્સ વિશે નહીં પણ થોડા થોડા
સ્ટોલ્સ વિશે માહિતી આપી છે. ભારતના મહાબંદર કંડલા પોર્ટ ટ્રસ્ટનો સ્ટોલ છે, જેમાં આગામી આવનારા નવા મેગા પ્રોજેક્ટ વિશે
જાહેરાત કરાઇ છે. ઇન્ડિયા'સ ફર્સ્ટ ગ્રીન ટગનું મોટું ચિત્ર દીનદયાળ
પોર્ટની સિદ્ધિ દર્શાવે છે. - લીંપણ આર્ટ : ભુજના ખુશાલી સોનીએ કલાકૃતિ લીંપણ આર્ટની કળાત્મક વસ્તુઓ પ્રદર્શિત
કરી છે. ઘરમાં લીંપણકળા કરવી એ કચ્છની પરંપરા છે,
પણ અહીં લાકડાં પર લીંપણકળા કરાઇ છે, જેમાં શુભલાભ,
ફોટોફ્રેમ, વોલ હેંગિંગ, કિચન વગેરે આઇટમ પ્રદર્શિત કરી છે. - દાદર ફાર્મસી : દાદર ફાર્મસીના સ્ટોલમાં દેશી ગોળ છે, જેમાં સૂંઠ અને એલચીનું મિશ્રણ છે. એલોવેરા
જેલ, કિડનીની બીમારીમાં ઉપયોગી બાર્લી જ્યૂસ એમની પ્રોડક્ટ છે.
- કાંસાના વાસણો : પારસ મેટલ વર્કસના સ્ટોલમાં કાંસાના વાસણો
ખાસ ધ્યાન ખેંચે છે. એમાં હાથબનાવટના કાંસાના વાસણો પણ છે. બોધિકા આર્ટ સ્ટુડિયોમાં
આરતીની સુશોભિત થાળી, બાજોઠ,
તોરણ, દીવા, હાથી વગેરે હાજર
છે. છેડા ચીક્કીવાલા તરફથી ગોળથી બનાવાયેલી ચીક્કીની વેરાયટી રજૂ કરાઇ છે. તેમની ઠંડાઇ,
રાજગરાની ચીક્કી વખણાય છે. કુલ 150 આઇટમ બનાવે છે. - કનકધારા ગીર ગૌશાળા : કચ્છના નાની તુંબડી ગામના પરેશ દેઢિયાએ
મુંબઇમાં ગારમેન્ટ્સનો વેપાર છોડીને 10 વર્ષ પહેલાં વતનમાં ગૌશાળા
સ્થાપી હતી, જ્યાં ગીરની
175 ગાય છે. ગાયનું ઘી, કોલ્ડ પ્રેસ ઓઇલ, ઓર્ગેનિક
ગોળ, દેશી જુવાર, બાજરી, મગ સ્ટોલમાં રાખ્યા છે. - હાથવણાટના વત્રો : ભુજોડીના અર્જુનભાઇ સીજુ અને રાજેશ ખોખરે હાથવણાટની ગરમ શાલ, સાડી, દુપટ્ટા પ્રદર્શિત
કર્યા છે, જેમાં નેચરલ કલરનો વપરાશ કરે છે. તેના દોરા રેંટિયા
પર જાતે કપાસમાંથી બનાવે છે. આ કારીગરને 2009માં રાષ્ટ્રપતિ સન્માન મળ્યું છે. કચ્છી આર્ટ ગેલેરીમાં બાંધણીની
વેરાયટી છે. - ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ : રાજશ્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સ્ટોલ છે. ભુજના રાજેન ઠક્કર સંચાલક છે. ટૂર આયોજકની
વિશેષતા એ છે કે, કચ્છદર્શનનો
એક નાઇટથી પાંચ નાઇટનું પેકેજ બનાવી આપે છે. હોટેલથી લઇને કાર સહિતની સારી સર્વિસ માટે
જાણીતા છે. - ઇન્ડિયન કોઇન
ગેલેરી : ગિરીશ વોરાએ જૂના સિક્કા પ્રદર્શિત કર્યા
છે. બ્રિટિશ કાળના અને તેનાથી જૂના સમયના સિક્કા છે. વેલ્વેટ ગિફ્ટ પેકેજિંગમાં મોટી
ખાવડીના કિંજલ લોડાયાએ આર્ટિસ્ટિક વેલ્વેટ પેકેજિંગના પીસ મૂક્યા છે. ડ્રાયફ્રૂટ, ચોકલેટ વગેરેના બોક્સ પણ પ્રદર્શિત કર્યા છે.
- કચ્છી ફોટો પોઇન્ટ : કચ્છી કવિ ઇબ્રાહીમ લુહારે કચ્છી ફોટો પોઇન્ટનો
સ્ટોલ રાખ્યો છે, જ્યાં કચ્છી
પરંપરાગત પોષાક પહેરાવીને ફોટો પાડી આપવામાં આવે છે. પુત્ર અબ્દબુલ મજીદ અને સાકીબ
સહયોગી છે. મુંબઇગરા માટે મોટું આકર્ષણ છે. ભુજ દરબારગઢમાં કચ્છી ફોટો પોઇન્ટ સ્ટુડિયો
છે. કચ્છીયતને ઉજાગર કરવાનું આ કાર્ય છે. - સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ : રાજકોટની સંસ્થા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્નો
સ્ટોલ છે. સંસ્થા રાજકોટમાં વૈદિક ગુરુકુલ ચલાવે છે,
જેમાં સંસ્કૃત, વૈદિક ગણિત, શાત્રો નિ:શુલ્ક ભણાવાય છે. સંસ્થા સુવર્ણપ્રાશન ટોનિક બનાવે છે, જે 15 વર્ષ સુધીના
બાળકને પુષ્ય નક્ષત્રમાં રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ માટે પીવડાવાય છે, જેનો પાંચ લાખથી વધુ બાળક લાભ લે છે. સંસ્થાને
રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. - મારૂ હોસ્પિટલ : બીજા માળે મારૂ હોસ્પિટલના સ્ટોલમાં પેથોલોજીના સીબીસી, રેન્ડમ બ્લડશુગર, બીપી,
હાઇટ- વેઇટ અને પલ્સ માપવામાં આવે છે, એ-72 નંબરનો સ્ટોલ છે. - અદાણી રિયાલિટી : મુંબઇમાં કંપનીના રહેણાક અને કમર્શિયલ પ્રોજેક્ટની
વિગતો સ્ટોલમાં આપે છે. સાથેસાથે ગ્રુપની ઓલીવ ઓઇલ ઉત્પાદનની પ્રદર્શન અને વેચાણની
વ્યવસ્થા કરાઇ છે.