સાંગનારા (તા. નખત્રાણા),
તા. 17 : વરસાદ ખેંચાતાં પંથકના સાંગનારા, બેરૂ, મોસુણા પંથકના ડેમ,
તળાવો તળિયાંઝાટક બન્યા છે. વગડામાં પશુઓ માટે પીવાનાં પાણીનું એકેય
ટીપું રહ્યું નથી. ડેમ, તળાવો તળિયાંઝાટક થવાથી ખેતીવાડીના બોરના
પાણી પણ ઊંડા ઊતરી ગયાં છે, જેના કારણે ખેડૂતોને મોટરો નીચે ઉતારવાની
ફરજ પડી છે. વરસાદનો વિલંબ અને પાણીના સ્તર નીચાં જવાથી ખરે ટાંકણે ખેડૂતોને મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. પંથકની ખેતીની જીવાદોરી સમા ભૂખી ડેમનું તળિયું સૂકાઈ જવાથી બોરના
તળ ઊંડા ઊતરી ગયાં છે, જેથી ખેડૂતોને પિયત કરવા મુશ્કેલી પડે
છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્તમાન સમય ખેતી માટે કપરો કાળ છે. અત્યારે વરસાદના કોઈ
સંકેતો દેખાતા નથી જે ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. બીજી બાજુ પાછલા ચાર
દિવસથી તોફાની વાયરો ફૂંકાઈ રહ્યો છે અને સુસવાટા મારતા પવન સાથે ધૂળની ડમરીઓ ઊડે છે
જે કપાસ, મગફળીના કુમળા છોડને ભારે નુકસાન પહોંચાડે છે. ખુલ્લી
વાડીઓમાં કપાસના છોડના કુમળાં પાન તૂટી જતાં અનેક વાડીઓમાં કપાસના ફેર વાવેતરની નોબત
ઊભી થઈ છે. સાંગનારા ઉપરાંત મોસુણા, બેરૂ અને રામપર વિસ્તારના
ખેડૂતો અત્યારે આકાશી આફતનો સામનો કરી રહ્યા છે. વરસાદની રાહ જોતા પંથકના ખેડૂતો તોફાની
પવન અને ધૂળના વરસાદની કલ્પના સુદ્ધાં નહોતી. સતત ધૂળની ડમરીઓના કારણે વાડીઓમાં ધૂળના
થર જામી ગયા હોવાનું ખેડૂત કાંતિભાઈએ જણાવ્યું હતું.ભારે પવનને કારણે વૃક્ષોની ડાળીઓ
તૂટી ગઈ છે. જ્યારે ઘણી જગ્યાએ છાપરાં ઊડી ગયાં છે. ફૂંકાતા પવનને કારણે જનજીવન ઉપર
માઠી અસર વર્તાય છે.