અંજાર, તા. 18 : ગુજરાતના ટેકનિકલ અને ઉચ્ચશિક્ષણ
રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ બજેટને ગુજરાતની સાથે કચ્છના સર્વાંગી વિકાસને ઝડપી ગતિ
પ્રદાન કરનારું લેખાવીને જણાવ્યું હતું કે, ગઢશીશામાં સરકારી કોલેજની લાંબાગાળાની માગણી સંતોષાણી છે. ઉપરાંત અંજારમાં
પોલિટેકનિક અને સિનુગ્રા (તા. અંજાર)માં કૃષિ કોલેજ સ્થાપવાની જાહેરાત ઐતિહાસિક છે.
ત્રિકમભાઇએ કચ્છમિત્ર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સીમાવર્તી
જિલ્લો હવે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રાજ્યના બીજા વિસ્તારો સાથે મજબૂત સ્પર્ધા કરી શકશે.
રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં પેશ કરેલાં બજેટમાં કચ્છના તમામ
ક્ષેત્રે ફાળવણી કરી છે. શ્રી છાંગાએ કહ્યું કે, રાજ્ય સરકારના
મંત્રીઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સમયાંતરે થતી રજૂઆતનો પડઘો પડયો
છે. કચ્છ યુનિવર્સિટીને માળખાંકીય વિકાસ માટે ફાળવણી થઇ છે. એ સિવાય નર્મદા યોજનાનાં
કામો માટે કુલ મળીને 1500 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી છે. એ સિવાય પ્રવાસન, પ્રકૃતિ, રોડ-રસ્તાના
વિકાસ માટે પણ બજેટમાં કચ્છની સંભાળ લેવામાં આવી છે. બન્નીમાં ગાંડા બાવળના નિર્મૂલનનો
પ્રશ્ન મોટો છે. રોડ -રસ્તા વિકસતાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની મુલાકાત સુગમ બનશે.